સુરત ગ્રીષ્મા હત્યા કેસની આજે સુનાવણી, આરોપીને ફાંસીની સજાની ઉઠી રહી છે માંગ

ગુરુવાર, 21 એપ્રિલ 2022 (12:13 IST)
ગુજરાતમાં ચકચાર જગાવનારા ગ્રીષ્મા હત્યા કેસની આજે સુનાવણી થઈ રહી છે. આ પહેલા અગાઉની મુદ્દત 16 એપ્રિલે ફેનિલના વકીલ હાજર ન રહેતા ચુકાદો ટળ્યો હતો.  કોર્ટમાં ત્રણ દિવસ સરકાર અને ત્રણ દિવસ બચાવ પક્ષની દલીલ થઈ હતી સાત દિવસમાં ચાર્જશીટ અને 28 ફેબ્રુઆરીથી આ કેસમાં સુનાવણી ચાલતી હતી.  ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી ફેનિલ સામે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16 એપ્રિલ જાહેર કરી હતી. જોકે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતાં કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલ પર મુલતવી રાખી છે, જેથી આજે સંભવતઃ ચુકાદો જાહેર કરવામાં આવી શકે છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે.
 
ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા ગ્રીષ્માની હત્યામાં 69 દિવસમાં ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછ્યું હતું કે, તમને મૃત્યુદંડ કેમ ન આપવો?
 
સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી, જેમાં હત્યા ઉશ્કેરાટમાં નથી, આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. આરોપીને માર મારવાના બચાવ પક્ષના આક્ષેપનું પણ સરકાર પક્ષે ખંડન કર્યું હતુ. તેણે વધુમાં કહ્યું હતું કે કોઇની દીકરીને કોઇ છેડતી કરે તો તે ઠપકો પણ ન આપે. આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું હતું કે સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે અન્યને ઇજા પહોંચાડી જીવ લે? આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે.
 
ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ કેસમાં હવે આરોપીના બચાવ પક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો હવે આજે જાહેર કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર