આ ઘટનામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીના ચોથા માળે સ્થિત કારખાનાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા. ત્યારબાદ તસ્કરોએ કંપનીની ઓફિસની તિજોરી કટર વડે કાપી 20 કરોડથી વધુના રફ હીરા અને રોકડની સાથે સાથે CCTV-DVR પણ લઈને ફરાર થઇ ગયા. બનાવની જાણ થતાં જ DCP, ACP અને શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના પુરાવાઓ દૂર કરવા માટે ફેક્ટરીના તમામ CCTV કેમેરા તોડી અને DVR પણ ઉઠાવી ગયા.કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે. સૌપ્રથમ તેઓએ કારખાનાની બહાર લાગેલ ફાયર એલાર્મને તોડી નાખ્યું હતું, જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય અને એલાર્મ વાગે નહીં. તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાના કારણે ચોરોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ CCTV કેમેરા નહોતા, જે ચોરો માટે વધુ સરળ બન્યું.