આજથી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ થઈ. વાલીઓની સંમતિ સાથે બાળકો સ્કૂલમાં આવ્યાં

સોમવાર, 22 નવેમ્બર 2021 (11:28 IST)
શિક્ષણમંત્રીએ આજથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને આધારે આજથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. વાલીઓનું સંમતિ પત્રક મેળવવાનું હોવાથી સ્કૂલોમાં હજી વિદ્યાર્થીઓ આવી શક્યા નથી. કેટલીક સ્કૂલોએ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને સંમતિ પત્રક મેળવ્યા હોવાથી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.અમદાવાદ શહેરની સ્કૂલોમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓનો કિલકિલાટ શરૂ થઈ ગયો છે. સ્કૂલ શરૂ થવાની જાહેરાત થતા જ તૈયારી કરવામાં આવી હતી. વાલીઓને મેસેજ અને ફોન કરીને આજ સવાર સુધી સંમતિ પત્ર ભરાવવામાં આવ્યા હતા. ઉપરાંત વર્ગ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.જે વાલીઓએ સંમતિ પત્ર આપ્યા તેમના બાળકોને આજથી સ્કૂલોમાં પ્રવેશ શરૂ આપવામાં આવ્યો છે. બીજી તરફ હજુ પણ સવારે સ્કૂલ પર વાલીઓનો સંમતિ પત્ર આપવા ઘસારો જોવા મળ્યો હતો.સ્કૂલ શરૂ થતાં બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી અને બાળકો હર્ષ ભેર સ્કૂલે આવ્યા હતા તો અનેક સ્કૂલો દ્વારા આજથી સંમતિ પત્ર અપાવમાં આવશે. જેથી આજે અને કાલે 2 દિવસમાં સંમતિ પત્ર ભરાવવામાં આવશે. ત્યાર બાદ 2 દિવસમાં સ્કૂલો સંપૂર્ણ શરૂ કરવામાં આવશે. ઉપરાંત જે બાળકોના વાલી સંમતિ પત્ર નહી આપે તેમના ઓનલાઇન કલાસ પણ ચાલુ રાખવામાં આવશે. એક વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે, આજે આટલા સમય બાદ સ્કૂલે આવવાનું થયું એટલે બહુ સારું લાગ્યુ બધા ફ્રેન્ડ્સ મળ્યા અને ટીચર્સ પણ મળ્યા છે. સ્કૂલમાં પણ અમે માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ રાખીશું અને સ્કૂલ તરફથી જે સૂચના આપવામાં આવશે તેનું પાલન કરીશું. અન્ય વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે સ્કૂલમાં આવી આજે આનંદ થયો છે.મારા વાલીએ પણ સંમતિપત્ર આપ્યું છે.મને ઘરેથી જ માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવ્યું છે. જેનો હું સ્કૂલમાં ઉપયોગ કરું છું.આજે સ્કૂલમાં લાંબા સમય બાદ ભણવા આવી છું એટલે સારું લાગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર