એસ.ટીને હોળી ફળી - હોળીના તહેવારમાં એસ.ટી વિભાગે એકસ્ટ્રા બસો દોડાવી 3 કરોડથી વધુની આવક કરી

શનિવાર, 19 માર્ચ 2022 (18:05 IST)
-ચાલુ વર્ષે કોરોનાના કેસો નહીવત પ્રમાણમાં હોવાથી પ્રવાસીઓએ ST બસમાં પ્રવાસ કર્યો 
-ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 1 કરોડથી વધુની આવક 
 
ગુજરાત વાહન વ્યવહાર વિભાગને હોળીનો તહેવાર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ફળ્યો છે. એસ.ટી નિગમને હોળીના તહેવાર નિમિત્તે વધારાના બસ સંચાલન થકી 3 કરોડ 75 લાખ જેટલી આવક આ વખતે થઈ છે. 14 માર્ચથી 18 માર્ચ દરમિયાન નિગમ દ્વારા તહેવારની મોસમને ધ્યાનમાં રાખીને વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે હોળીના તહેવાર દરમિયાન બે કરોડ જેટલી આવક થઈ હતી. જેની સરખામણીએ આ વર્ષે એક કરોડની આવક વધુ નોંધાઇ છે. 
 
હોળી અને દિવાળીના તહેવાર સમયે એસ.ટી.નિગમ વધારાની બસોનું સંચાલન કરતુ હોય છે. ત્યારે આ વર્ષે નિગમ દ્વારા વધારાની બસોના સંચાલન થકી 3,75,91,918 રૂપિયાની આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ 1 કરોડથી વધુ નોંધાઇ છે. ગત વર્ષે નિગમની હોળીના તહેવાર સમયે વધારાની બસના સંચાલન થકી 2,13,40,161 રૂપિયાની આવક થઈ હતી. ચાલુ વર્ષે હોળીના તહેવાર દરમિયાન 6922 ટ્રીપનું સંચાલન કર્યું હતું, જ્યારે ગત વર્ષે કોરોના હોવાથી મર્યાદિત પ્રમાણમાં યાત્રિકોની અવરજવર જોવા મળી હતી અને 3106 ટ્રીપનું સંચાલન થયું હતું. 
 
ચાલુ વર્ષે કોરોનાના કેસો નહીવત પ્રમાણમાં હોવાથી યાત્રિકોની અવરજવર મોટા પ્રમાણમાં જોવા મળી હતી. જેથી નિગમને વધારાની બસોના સંચાલન થકી મોટી આવક થઇ છે. ગત વર્ષે 1,37,733 પ્રવાસીઓએ હોળીના તહેવાર દરમ્યાન એસટી બસમાં મુસાફરી કરી હતી. ત્યારે આ વર્ષે 3,19,112 પ્રવાસીઓએ નિગમની બસમાં મુસાફરીનો લાભ લીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર