ખરાબ રસ્તાને કારણે અકસ્માત થશે તો ગુનો નોંધાશેઃ સાબરાકાંઠા SPની NHAIને નોટિસ
શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (12:55 IST)
સાબરકાંઠાના ખખડધજ નેશનલ હાઇવેથી ખફા થયેલા જિલ્લા પોલીસ વડા(SP)એ નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા સામે ગુનો નોંધવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા પોલીસ વડા ચૈતન્ય રવિન્દ્ર મંડલીકે એક નોટિસ મોકલીને NHAIને જાણ કરી છે કે જો ખખડધજ રસ્તાના કારણે અકસ્માતે કોઈનું મોત થયું તો પોલીસ આઈ.પી.સીની કલમ 304 મુજબ ગુનો નોંધશે,જેથી વહેલી તકે માર્ગનું સમારકામ કરવું. સાબરકાંઠામાંથી પસાર થતાં મુંબઈ-દિલ્હી હાઇવેનું સિક્સ લેનનું કામ શરૂ હોવાથી અનેક જગ્યાએ રોડને એક તરફી કરેલો છે, જ્યારે માર્ગમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. હકીકતમાં સાબરકાંઠામાં નેશનલ હાઇવેનું સમારકામ શરૂ છે. આ હાઇવેમાં ખાડાઓના કારણે ઘણી વાર નાના મોટા પંક્ચર થવાનું ઘટના ઘટે છે. જિલ્લા પોલીસ વડાએ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ન થાય તે માટે ખાડાઓનું સમારકામ ત્વરીત કરાવવું. ઉલ્લેખનીય છે કે અગાઉ આ હાઇવે બીસ્માર હોવાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. આ અકસ્માતનો ભોગ બનનારા કેટલાક લોકોના મોત પણ થયા છે ત્યારે સરકાર પહેલાં પોલીસ હરકતમાં આવી ગઈ છે અને નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા સામે લાલ આંખ કરી છે.નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરમાંજ 16મી ઑગસ્ટના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં બલુમ ડેકોર નામની ફેક્ટરી સામે એક ગંભીર અકસ્માત થયો હતો. માર્ગના ખાડાઓને કારણે થયેલા અકસ્માતમાં ત્રણનાં મોત થયા હતા.