ગોત્રી ખાતેની કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ બાળકોની સારવાર માટે અલાયદા બાળ સારવાર એકમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દરમિયાન, ગત તા. 18 મેના રોજ સંજયભાઈ મકવાણા તેમના 8 વર્ષના પુત્ર સાથે અહીં સ્ક્રીનિંગ કરાવવા આવ્યા હતા. જેમાં બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જણાતા બાળકને બાળ સારવાર વિભાગમાં, જ્યારે સંજયભાઈને વયસ્કોના વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડો. નિમિષા પંડ્યાના માર્ગદર્શન હેઠળ કાર્યરત્ બાળકો માટેના આ અલાયદા સારવાર વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક ડો. લલિત નૈનિવાલ, ડો. પુતુન પટેલ, ડો. મહેશ કુમાવાત અને ડો. પંકજ ગુપ્તા સહિતના તજ્જ્ઞો દ્વારા નર્સિંગ અને મદદનીશ સ્ટાફના સહયોગથી નિષ્ઠાપૂર્વક બાળદર્દીઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધી અહીં વડોદરા અને અન્ય જિલ્લાનાં કુલ 10 બાળકોને કોરોનાની સારવાર આપવામાં આવી છે. જેમાંથી 9 બાળક સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે, જ્યારે એક બાળકને બચાવી શકાયો નથી.