સુરતની લાજપોર જેલમાં પોલીસનું સર્ચ ઓપરેશન જોતા કેદીઓએ જેલમાં આગ ચાંપી

શનિવાર, 25 માર્ચ 2023 (11:29 IST)
ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરની જેલોમાં છાપામારીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલાં ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરાથોન મિટિંગ ચાલી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં રાતથી સવારના 5 વાગ્યા સુધી સર્ચ-ઓપરેશન ચાલ્યું હતું. આ તપાસમાં 500 પોલીસકર્મચારીઓએ ચેકિંગ કર્યું હતું. જ્યારે વડોદરા જેલમાં ચેકિંગ દરમિયાન બીડી, સિગારેટ અને ગુટખા મળ્યાં હતાં. ચેકિંગ પૂર્ણ થયે તમામ જેલના ચેકિંગનો ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી ગૃહમંત્રીને મોકલાશે.ગત મોડી રાત્રે રાજ્યની તમામ જેલોની અંદર એક સાથે પોલીસની મોટી ટીમ ઉતરીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે સુરતની સૌથી મોટી લાજપોર જેલ ખાતે સુરત પોલીસના 250થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ સાથેનો કાફલો જેલની અંદર પહોંચ્યો હતો. જેલમાં ચાલતી ગેરકાયદેસર ગતિવિધિઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલની અંદર પોલીસનું સર્ચ ઓપરેશન જોતા કેદીઓએ ભારે ધમાલ મચાવી હતી. પોલીસની કામગીરીને રોકવા અને અડચણરૂપ થવા માટે કેદીઓ દ્વારા જેલની અંદર આગ પણ લગાવવામાં આવી હતી. સાથે બેરેકના કેદીઓ દ્વારા સૂત્રોચાર અને વિરોધ પણ કર્યો હતો. પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેકટ્રીક ચીજવસ્તુ, ૩૯ ઘાતક સમાન તેમજ ૩ જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.

 
આ માદક દ્રવ્યોને લઈને સેન્ટ્રલ જેલ ખાતે FSLની ટીમ આવશે
 
આ તપાસ બાદ રિપોર્ટ બનાવી ગૃહ વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો
 
 
ગુજરાતની 17 જેલોમાં ગઈકાલે રાતથી આજ સવારના 7 વાગ્યા સુધી મેગા સર્ચ ઓપરેશન  હાથ ધરવામાં આવ્યુ હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન સાબરમતી જેલમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા. આ માદક દ્રવ્યોને લઈને સેન્ટ્રલ જેલ ખાતે FSLની ટીમ આવશે. આ તપાસ બાદ રિપોર્ટ બનાવી ગૃહ વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.
 
ગુજરાત રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા. 
 
આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
 
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.
 
 
 
#Gujarat #Gujarat Police #Jails Search operation

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર