કોરોનાના દર્દીઓને રીક્ષા ચાલકો વિના મૂલ્યે હોસ્પિટલમાં પહોંચાડશે, 7600660760 નંબર પર કોલ કરવાથી દર્દી લાભ લઈ શકશે

મંગળવાર, 27 એપ્રિલ 2021 (15:21 IST)
અમદાવાદમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને રોજના પાંચ હજારથી વધારે કેસ મળી રહ્યા છે. ત્યારે અલગ-અલગ સેવાભાવી સંગઠનો બનતી સેવા લોકોને પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સ્થિતિમાં અમદાવાદના રિક્ષા ચાલકોની સેવા ભાવના અને ઉદારતા સામે આવી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રિક્ષાચાલકો કોરોના દર્દીઓને રિપોર્ટ કરાવવા માટે દવા લાવવા માટે અથવા તો ઘરને સાધનસામગ્રી લાવવા માટે સેવા પુરી પાડશે. હાલ કોરોનાની વિપરીત પરિસ્થિતિ ચાલી રહી છે હાલત એવી છે કે  ઘરે કોરોના દર્દીના સંપર્કમાં આવવાથી પરિવારજનો પણ દૂર ભાગે છે, આ સ્થિતિમાં અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના રિક્ષાચાલકો કોરોના પોઝિટિવ હોય એવા દર્દીને હોસ્પિટલમાં જવાનું થાય, કોઈ રિપોર્ટ કે સીટી સ્કેન કરવા માટે બહાર જવાનું થાય ત્યારે તેમને લઈ જશે. આ સિવાય જો દવા લેવા માટે બહાર જવાનું થાય અથવા ઘરે ખૂટતી સામગ્રી લેવા જવાનું થાય તો આ રિક્ષાચાલકો તેમને સામાન પહોંચાડશે.

હાલ ૧૦૮ની એમ્બ્યુલન્સની વાનની પરિસ્થિતિ સૌ કોઈ વાકેફ છે. તેવા આ રીક્ષા ચાલકોની સેવા કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. પ્રારંભિક તબક્કે એનજીઓના સહયોગથી દસ જેટલી રીક્ષાઓ આ સેવા માટે અમલમાં મુકવામાં આવી છે. જે માટે રિક્ષા ચાલકોની સુરક્ષાની પુરતું ઘ્યાન રાખવામાં આવશે. રિક્ષાચાલકો PPE કિટ સજ્જ રહેશે અને પૂરતી તકેદારી સાથે દર્દીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરશે. આ બાબતે અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ વિકટ છે, પરંતુ અમારી વિનંતીને જેને રાખીને રિક્ષાચાલકો તૈયાર થયા છે, સારી બાબત છે. આગામી દિવસોમાં વધુ રિક્ષાચાલકો સેવામાં જોડાય એવો અમારો પ્રયાસ રહેશે.

હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી 10 રીક્ષા ચાલકો આ સેવા માટે આગળ આવ્યા છે. આ સેવા માટે દર્દી પાસે કોઈ રકમ નહિ વસુલે, રીક્ષા ચાલકોને ભાડું પનાહ નામની સંસ્થા પુરી પાડશે. જે માટે એક હેલ્પ લાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.7600660760 નંબર પર કોલ કરવાથી કોરોના પોઝિટિવ દર્દી આ સેવાનો લાભ લઇ શકશે. શરૂઆતના તબક્કામાં નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, રાણીપ વિસ્તારમાં આ સેવા મળી રહેશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર