નેતાઓને બચાવવા મોબાઈલ ફોન ગુમ કરી દેવાયો ?

શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (14:30 IST)
કરજણ તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખના અપમૃત્યુ કેસમાં પોલીસે કબજે લીધેલો મૃતકનો મોબાઈલ ફોન પોલીસ મથકમાંથી જ ગુમ થઈ જતાં અનેક સવાલો ઉભા થયા છે.કરજણ તા.પં.ના પૂર્વ ઉપ પ્રમુખ પિનાકીન પટેલે ભાજપના તત્કાલીન જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ અટાલીયા પાસેથી 7 ટકાના વ્યાજે રૂ. 17 લાખ અને કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ઉર્ફે ગઢભાઇ ચાવડા પાસે 10 ટકાના વ્યાજે રૂ. 19 લાખ લીધાં હતાં. બંનેએ વ્યાજનું વ્યાજ અને તગડી પેનલ્ટી ચઢાવી હતી. જેથી પિનાકીને કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા સાથેની જમીનની ભાગીદારી છુટી કરી પ્રવિણ અને ભરતને રૂપિયા આપ્યાં હતાં, તેમ છતાં આરોપીઓએ ઉઘરાણી ચાલુ રાખતાં પિનાકીને કંટાળી જઈ ઓક્ટોબર – 2૦17માં આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં એક વર્ષ બાદ કરજણ પોલીસે ગુનો નોંધી વ્યાજખોર પ્રવીણસિંહ અને ભરતસિંહની ધરપકડ કરી હતી.આ કેસની તપાસ કરી રહેલા તત્કાલીન પીઆઈ ડી.વી.જોષીને મૃતકના પિતા રસીકભાઈએ રેકોર્ડિંગવાળો ફોન તપાસના ભાગરૂપે આપ્યો હતો. પોલીસે ફોનને ફોરેન્સિકમાં મોકલવાની પણ તસ્દી લીધી ન હતી. હવે, ફોન પોલીસ સ્ટેશનમાંથી જ ગુમ થઈ ગયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ બાબતે રસીકભાઈએ જોષીને ફોન કરતાં તેમણે મારી બદલી થઈ ગઈ છે, ફોન પોલીસ સ્ટેશનમાં જ હશે, તેવો જવાબ આપ્યો હતો. પરંતુ ફોન નહીં મળતાં રસીકભાઈએ હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે. જેથી હાઈકોર્ટે ડી.વી.જોષીને તા. 17 ડિસેમ્બરે હાજર રહેવા નોટીસ આપી હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, પોલીસે કબજે લીધેલી કોઇપણ પ્રકારની વસ્તુ ગુમ થતાં આ કેસમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.મૃતક પીનાકીન પટેલનો મોબાઈલ ફોન પોલીસ સ્ટેશનમાંથી ગુમ કરવા પાછળ ભાજપ – કોંગ્રેસના પ્રવિણ અને ભરતને બચાવાનો ખેલ હોવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ બંને આરોપીને પૈસા આપી દેવા માટે મહંમદ ઉર્ફે ગીગો આદમભાઈ પટેલે પિનાકીને ફોન કર્યો હતો. કરજણ મોતી મહેલ હોટલ પાસેનું રેકોર્ડિંગ પણ ફોનમાં હતું, તેવું કહેવાય છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર