ગુજરાતમાં જોવા જેવી વિશ્વની ત્રીજા નંબરની ડાયનાસોર સાઈટ

સોમવાર, 3 એપ્રિલ 2017 (17:59 IST)
કચ્છ કરોડો વર્ષ પહેલા ડાયનોસોરની ભૂમિ હતી. અને હજારોની સંખ્યામાં ડાયનોસોર કચ્છમાં રહેતાં હોવાના અનેક પુરાવાઓ સંશોધનકર્તાઓને મળ્યા છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગની ટીમ કચ્છના લોડાઇ નજીક કાંસ હીલ પર છેલ્લા થોડાક દિવસોથી સંશોધન કરાયું. જેમને સંશોધન દરમિયાન ડાયાનાસોરના પીઠથી પાછળના ભાગનું અડધુ અશ્મિ મળ્યું. કચ્છ યુનિવર્સીટીના જીઓલોજી વિભાગમાં પી.એચ.ડી. કરતા ગૌરવ ચૌહાણ સાથે ભુસ્તરશાખામાં અભ્યાસ કરતા જર્મનીના મથીઆસ આલ્બર્ટી તેમજ અનુસ્તાતકના વિદ્યાર્થીઓ ભુજ નજીક આવેલા લોડાઇ ગામના કાંસ હીલ પર્વત પર સંશોધન કરતા હતા.

 તે સમયે તેમને ડાયાનાસોરના પુષ્ઠ ભાગના અવશેષ મળી આવ્યા હતા. જે ફોસીલ્સ મળ્યું છે, તેનુ નિરિક્ષણ કરી ડાયનાસોરના અવશેષો પર સંશોધન કરતા દેશ-વિદેશના સાયન્ટિસ્ટોને જાણ કરવામાં આવી હતી.  કચ્છના લોડાઇ નજીકનો વિસ્તાર વર્ષો પહેલા દરિયાઇ ભૂમિ હતી, જે અશ્મિ મળ્યું છે, પ્રાથમિક તપાસમાં આ અશ્મિ કરોડો વર્ષ જુનું હોવાનું અનુમાન છે. હજુ વધારે ખોદકામ કરી ફોસીલ્સના પૂર્ણ કદને બહાર કાઢી કચ્છ યુનિવર્સીટીમાં આવેલા જીઓલોજીકલ મ્યુઝિયમમાં રાખવામાં આવશે અને ડાયાનાસોરના અવશેષો પર સંશોધન કરતાં સાયન્ટિસ્ટોને બોલાવી વધુ સંશોધન હાથ ધરાશે. કચ્છ યુનિવર્સિટીના ગૌરવ ચૌહાણે   જણાવ્યું હતું કે જે અશ્મિ મળી આવ્યું છ, તે પ્રકારનું ડાયનાસોરનું અશ્મિ દેશમાં બીજે ક્યાંય મળ્યું નથી.  

ગુજરાતના ખેડા, પંચમહાલ, કચ્છ અને સાબરકાંઠામાં ડાયનાસોરની હયાતીના પુરાવા મળ્યા છે. રાજાસૌરસ નર્મદેન્સીસ નામના ડાયનાસોરની પ્રજાતિ અહીંયાથી જ મળી હતીઃ આજે રૈયોલીના ઢોળાવ ઉપર ઈંડાં અને જીવાશ્મિઓ મોજૂદ છે. ખેડાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામથી રોડ ઉપર આગળ વધો એટલે એક ઢોળાવ આવે છે. તેની પાસેના પથ્થરોને નિરખો ત્યારે ઘડીભર માટે આશ્ચર્યમાં પડી જવાય છે. આ પથ્થર સામાન્ય ખામ કે ડુંગરના પથ્થરથી અલગ છે. રાખોડી અને રાતાશ રંગના મોટા પથ્થર ઉપર ઈંડા આકારની કોઈ વસ્તુ થીજી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. એટલું જ નહીં પથ્થરમાં હાડકાના ટુકડા જેવો સખત પદાર્થ પણ જોઈ શખાય છે. અંદાજે ૭૦ એકરના એરિયામાં તમે જયાં પણ જાઓ ત્યાં પથ્થરની અંદર આ બંને વસ્તુ સામાન્ય છે. તે જગ્યા એક સામાન્ય માણસ માટે ડુંગર છે, પરંતુ વિશ્વભરના પેલીઓન્ટોલોજિસ્ટો માટે તે સંશોધનનું કેન્દ્ર છે. આ જગ્યા છે ગુજરાતમાં આવેલું ડાયનાસોર ઘરઃ રૈયોલી. આ સાઈટ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ડાયનાસોર સાઈટ છે.  
 ડાઇનાસોરના અવશેષો શોધાયા પછી ૩૩ વર્ષે પણ સરકારની ઘોર બેદરકારી બહાર આવી છે.  રૈયાલી ગામે જંગલની જમીનમાં જીઓલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ ડાઇનાસોરના ઈંડા, હાડકા, ચામડી, બચ્ચા, ઈંડાના માળાનો વિશ્વમાં અદ્વિતિય એવો સમૃદ્ધ સંગ્રહ ૧૦૮૧-૮૨માં શોધી કાઢયો હતો. આ પછી આ વિસ્તારને ડાઇનાસોર પાર્ક તરીકે જાહેર કર્યો હતો. સાત પ્રકારના ડાઇનાસોરના રહેઠાણ તરીકે વિશ્વના સૌથી મોટા ઈંડા સેવનનું સ્થળ તરીકે જાહેર કરીને ટપાલ ખાતાએ ટિકિટ પણ બહાર પાડી હતી. આ વિસ્તારની જાળવણી, રક્ષણ માટે જીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ સરકારને કહ્યું હતું. ત્યાર પછી આ પાર્ક પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે પણ અહીં કોઈ રક્ષણ મળતું નથી. વધુ અશ્મીઓ શોધવાનું, ડાઇનાસોર પર સંશોધન કરવાનું આયોજન હતું પણ કંઈ થયું નથી. સ્થળની મોજણી પણ કરાઈ ન હતી. અનેક અશ્મીઓ તથા ઈંડાનું વૈશ્વિક મૂલ્ય કરોડો રૂપિયા થાય છે તે વિદેશ પગ કરી ગયું હોવાના અનેક બનાવો નોંધાયા છે. વળી કેટલાં ઈંડા, હાડકા અને ચામડીના અવશેષો છે તેનું લિસ્ટ તૈયાર કરાયું નથી, તેનો કોઈ રેકર્ડ પણ તૈયાર કરાયો નથી.

ડાયનાસોરના ઈંડાની હયાતીમાં રૈયોલી વિશ્વની બીજા નંબરની સૌથી મોટી જગ્યા છે. આ જમીનમાં આજે અનેક ઈંડા હયાત હોવાનું નિષ્ણાતો માને છે. રાજાસૌરસ નર્મદેન્સીસ નામના ડાયનાસોરની પ્રજાતિ અહીંયાથી જ મળી હતી. રાજાસૌરસ નર્મદેન્સીસ ડાયનાસોર વિશ્વમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જ હતા. આજે તમે રૈયોલીના ઢોળ ઉપર જુઓ ત્યારે ડાયનાસોરના ઈંડા અને જીવનશૈલીઓ સ્પષ્ટ દેખાય છે. પથ્થરની અંદરના ઈંડા થીજી ગયા છે. જે આજે સખત પથ્થર જેવા બની ગયા છે. ૧૯૮૧માં સૌપ્રથમવાર રૈયોલીમાં જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ડાયનાસોરના જીવાશ્મિને શોધી કાઢ્યા હતા. ડાયનાસોરની હયાતીમાં ગુજરાત ભારતમાં સૌથી મોટુ સેન્ટર છે. ગુજરાતમાં ખેડા, પંચમહાલ, કચ્છ અને સાબરકાંઠામાં ડાયનાસોરની હયાતીના પુરાવા મળ્યા છે. ગુજરાતમાં પથ્થરની સાથે સાથે લાકડામાંથી પણ ડાયનાસોરનાં ઈંડાં અને જીવાશ્મિ મળી આવ્યા છે.

2008માં કચ્છમાં મેડીસર પાસે કથરોલના પહાડમાંથી 1.60 કરોડ વર્ષ જૂનું ફાઇલોસિરામ અશ્મિ શોધનારા જર્મનીની એરલાંગન યુનિવર્સિટીના પ્રા. ફ્રાન્સ ટી. જ્યુરિસના જ દેશ જર્મનીના પ્રો. ફ્રાન્સ ફુસીઝ તથા રાજસ્થાન (જયપુર) યુનિ.ના પ્રા. ડી. કે. પાન્ડે અને જ્યોત્સના રાય નામક ભૂસ્તરશાત્રીઓએ કચ્છમાં લોડાઇ નજીક કાસ ડુંગર પર સંશોધન દરમ્યાન કચ્છી યુવાન ગૌરવ ચૌહાણ સાથે ડાયનાસોરના અવશેષ અશ્મિ તરીકે મેળવ્યા છે. આ શોધે આજે તેમને રોમાંચિત કર્યા છે પણ આવતીકાલે વિશ્વને અચંબિત કરશે. 2008માં જે જીવાશ્મિ શોધાયું તે ડાયનાસોરના સમકાલીન ફાઇલોસિરાસ તરીકે ઓળખાતા એમોનાઇડસના હતા, જે સૂચવે છે કે કચ્છ ડાયનાસોર માટે આદર્શ જંગલો ધરાવતું હતું અને તેથી જ આજે એ જંગલોની નિશાનીરૂપ લિગ્નાઇટ મળી રહ્યા છે. 
કચ્છ યુનિ.ના ભૂસ્તરશાત્ર વિભાગને ગૌરવ અપાવે તેવી આ શોધ થકી અઢી દાયકા પહેલાં જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના એક વિજ્ઞાની ઝેડ. આર. ગેવરિયાએ અંજાર નજીક શોધેલા વિશ્વભરમાં એકમાત્ર મનાયેલા ડાયનાસોરના પૂર્ણ ફોસિલ્સની યાદ તાજી થઇ છે. કમનસીબી જુઓ કે એ શોધ માટે અમેરિકાએ જેટલો ઉત્સાહ બતાવ્યો એટલો ભારતે ન જ બતાવ્યો અને ઓચિંતી જ એ આખી સાઇટ ખાનગી રેલવેલાઇનમાં તોડી નાખવામાં આવી. કચ્છમાં વીતેલા 50-50 વર્ષથી ભૂસ્તરીય સંશોધન કરી રહેલા ઓ.એન.જી.સી.ના પૂર્વ ડાયરેક્ટર ડો. એસ. કે. બિશ્વાસ, ડો. શ્રૃંગારપુરે, ડો. દેશપાંડે, બી.એચ.યુ.નો આખેઆખો ભૂસ્તરશાત્ર વિભાગ, વખતોવખતના સંશોધન માટે આવતા અમેરિકાના ભૂ-વિજ્ઞાનીઓ સૌ કોઇ કહે છે કે, કચ્છમાં છે એ વિશ્વમાં કયાંયે નથી અને તેથી જ કચ્છમાં `જીઓ પાર્ક' થાય એ દિશામાં પણ પ્રયાસ થઇ રહ્યા છે. ઔદ્યોગિકીકરણની હવામાં કરોડો વર્ષ પહેલાંનો અતીત ખંડિત કે ખતમ ન થાય એ જોવાની જવાબદારી હવે કચ્છ તથા કચ્છહિતમાં વિચારનારાઓની છે

વેબદુનિયા પર વાંચો