રાજકોટમાં આશાવર્કર બહેનો નાના બાળકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચી, કહ્યું સરકારનો આંશિક પગાર વધારો લોલીપોપ સમાન

મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (15:46 IST)
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે મંગળવારે આશાવર્કર બહેનો પોતાની માગ સાથે રજુઆત કરવા પહોંચી હતી. આશાવર્કર બહેનોએ બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. નાના બાળકો સાથે આવેલી આશાવર્કર બહેનોએ પુરતો પગાર આપવા અને પુરતી રજા આપવા માગ કરી હતી. તેમજ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સરકારનો આંશિક પગાર વધારો લોલીપોપ સમાન છે.એક આશાવર્કર બહેને જણાવ્યું હતું કે, ગર્ભવતી બહેનોની અમે સેવા કરીએ છીએ પરંતુ અમે ગર્ભવતી થઇએ છીએ ત્યારે એક પણ રજા મળતી નથી. અમને પુરતી રજા આપવી જોઈએ. સમાન કામ, સમાન વેતનની અમે માગ કરી રહ્યાં છીએ. તેમજ હાલ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે તેનું પણ મહેનતાણું આપવામાં આવે. તેમજ અમારી ફિક્સ પગારની પણ માગ છે. આશાવર્કર બહેનોએ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આશાવર્કર બહેનોની રજુઆતને સરકાર સુધી પહોંચાડવામાં આવશે.આશાવર્કર બહેનોએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં છેલ્લા છ મહિનાથી અમે કોરોના વોરિયર્સ બનીને લોકોને કોરોનાના પ્રકોપ સામે બચાવી રહ્યાં છીએ. અમારૂ સરકારે સન્માન કરવું જોઇએ તેની જગ્યાએ શોષણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતના કર્મચારીઓ હાલ પોતાની પડતર માગને લઇ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે અમુક સંગઠનો દ્વારા અમને પડતર માગને લઇ હડતાળ પર ઉતરવા ઉશ્કેરી રહ્યાં છે. પરંતુ વેક્સિનેશનની કામગીરી ખોરવાય નહીં તે માટે અમે માત્ર આવેદનપત્ર આપી રજુઆત કરીએ છીએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર