ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર, Rain in Gujarat Photo - પાલનપુરમાં પાંચ જણા તળાવમાં ન્હવા જતાં ડૂબ્યા ત્રણનાં મોત બેનો બચાવ

સોમવાર, 3 જુલાઈ 2017 (11:16 IST)
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારથી જ મેઘરાજાએ સવારી કરીને જળબંબાકાર સર્જેયો હતો. શુક્રવારથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તે ઉપરાંત લોકોના ઘર અને પશુઓને ભારે નુકશાન પહોંચ્યું છે. ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરમાં ચાર કલાકમાં સાડાતેર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થીતી સર્જાઇ છે. શહેરના નીંચાણવાળા ઋષી તળાવ અને પેપલ્લા વિસ્તારના રહેણાંક મકાનોમાં પાણી ઘુસી જતા 500 લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.

માર્કેટયાર્ડમાં ખેતપેદાશો પલડી જતા વેપારીઓને લાખ્ખોનું નૂકશાન થયુ છે. આજુ બાજુનાં પાંચથી વધુ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતાં. આખીરાત લોકોએ અધ્ધર જીવે પસાર કરી હતી. સરસ્વતી નદિમાં ધસમસતા વરસાદી પાણી ફરતા થયા હતા. શનિવારની મેધલી રાત સિદ્ધપુરના લોકોને વર્ષો સુધી યાદ રહિ જશે કારણ કે રાત્રે સાત વાગ્યા થી શરૂ થયેલો ધોધમાર વરસાદે 11 વાગ્યા સુધીમાં જળબંબાકારની સ્થીતી સર્જીદેતા અફરાતફરી મચી ગઇ  હતી. ઉભી બજાર અને હાઇવે વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ફરતા થતાં કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. જયારે નીચાણવાળાં વિસ્તાર ઋષીતળાવ બાજું પાણી ઘસીઆવતા રાતો રાત 350 જેટલો લોકોને જયારે પેપલ્લા વિસ્તારમાંથી 150થી વધુ લોકોને તંત્ર દ્વારા શાળા અને માર્કેટયાર્ડમાં સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતુ.

પાલનપુર તાલુકાના દેલવાડા ગામના તળાવમાં ગામના પાંચ કિશોર ન્હવા માટે ગયા હતા. પરંતુ તે દરમ્યાન જ તળાવમાં ચાર કિશોર ફસાયા હતા. જેમાંથી એકને તરતાં આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો, જયારે ૩ કિશોર તળાવમાં ડૂબ્યા હતા. તળાવમાં ગામના કિશોરો ડૂબ્યાની માહિતી મળતા ગામ લોકોએ બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી. પરંતુ ગામના ત્રણેના કરુણ મોત થયા હતા. ઘટનાના પગલે ગામમાં તાત્કાલિક ધોરણે જિલ્લાના વહીવટી અધિકારીઓ દોડી આવ્યા હતા. જેથી કિશોરના મૃતદેહને તાત્કાલિક ધોરણે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગામના ત્રણ કિશોરના મોત થતા ગામમાં માતમનો માહોલ છવાયો છે. સિવિલ હોસ્પિટલમાં ત્રણે કિશોરના એક સાથે મૃતદેહ આવતા મોટા પ્રમાણમાં ગામ લોકો અને મૃતક યુવાનના સ્વજનો સિવિલમાં પહોંચ્યા હતા. જેના કારણે પાલનપુર સિવિલમાં ગમગીની ભર્યો માહોલ છવાયો હતો.

કોડીનાર  શહેર અને પંથકમાં શુક્રવારે  રાત્રીનાં મેઘરાજાએ  ધમાકેદાર  એન્ટ્રી કરી પાંચ ઇંચ પાણી વરસાવી  દીધા બાદ શનિવારે  સવારથી  સાંજ સુધી મુશળધાર  વરસાદ વરસતો  રહયો હતો અને કુલ 460 મીમી વરસાદ  પડી ગયો હતો. મોસમનો  કુલ વરસાદ 525 મીમી  નોંધાયો  છે.  હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસમાં ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અનેક ચેકડેમો છલકાઈ જતા ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નેશનલ ડિઝસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓને એલર્ટ રહેવાનો આદેશ અપાયો હતો.










 

 

















વેબદુનિયા પર વાંચો