આજે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં હિલસ્ટેશન જેવું વાતાવરણ, વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો થથર્યા

ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (10:58 IST)
હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે
છેલ્લા 24 કલાકમાં 129 તાલુકાઓમાં વરસાદ થયો
 
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. ગઈ કાલે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું. આખો દિવસ સમગ્ર રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ થયું હતું. આજે પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે. જેના કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોમાં અલમોડા અને સીમલા જેવું વાતાવરણ જોવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 
 
છેલ્લા 24 કલાકમાં 129 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ થયો છે. ત્યારપે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. તો વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક શહેરો જેવા કે, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.
 
સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડીનો ચમકારો વધ્યો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં બદલાવ સાથે કમોસમી વરસાદની આગાહી સાથે વાદળો છવાતા ટાઢોડુ છવાયુ છે. રાજકોટ મહાનગરમાં આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છૂપાયેલા રહેતા વાદળીયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફુંકાવો શરૂ થતા છેલ્લા 24 કલાક થી  લોકોએ સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડયો હતો. ભર બપોરે ઠંડકથી રાજકોટ મહાનગરમાં હીલ સ્ટેશન સમા દ્દશ્યો જોવા મળ્યા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર માવઠું પડ્યું.  
 
સુરતમાં વરસાદના હળવા ઝાપટા સાથે ઠંડીનું પ્રમાણ વઘ્યું
સુરતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. સુરતમાં વરસાદના હળવા ઝાપટા સાથે ઠંડીનું પ્રમાણ વધવાથી લોકો થથર્યા હતાં. વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે.ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં માવઠાના કારણે એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું છે.સુરતના બારડોલી અને મહુવા પંથકમાં પણ માવઠાના કારણે ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર