હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું મોડું બેસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 જૂન પછી ચોમાસાની શરૂઆત થશે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, પંચમહાલ, વલસાડ, સાપુતારા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં આજે વરસાદ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગે કહ્યું છે કે ગઈકાલે કેરળમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થયું છે. દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને કેરળ અને તામિલનાડુના દક્ષિણ ભાગમાં આગળ વધ્યું છે. આઇએમડીએ અનુમાન લગાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસુ આગામી બે દિવસ દરમિયાન કેરળ, લક્ષદ્વીપ, તમિળનાડુ અને પુડુચેરીના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોના કેટલાક ભાગોમાં અને રાયલા સીમામાં આગળ વધવાની સંભાવના છે.
રાજ્યમાં ગઈકાલે કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાના અહેવાલ છે. ભાવનગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ભાવનગરમાં તેર મિલીમીટર, પાલીતાણામાં આઠ મિલીમીટર જ્યારે જેસર અને વલ્લભીપુરમાં ત્રણ મિલીમીટર વરસાદ થયો હતો.