બંગાળની ખાડીમાં ફરી નવી સિસ્ટમ, અમદાવાદમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ

શનિવાર, 19 ઑક્ટોબર 2024 (16:13 IST)
બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ સર્જાવા જઈ રહી છે અને આ સિસ્ટમ મજબૂત થઈને વાવાઝોડું પણ બની શકે એવી શક્યતા હવામાનનાં વિવિધ મૉડલોમાં દેખાઈ રહી છે.હવામાન વિભાગ પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે. જો આ સિસ્ટમ વાવાઝોડું બની તો તે આ વર્ષનું ચોમાસા બાદનું પ્રથમ વાવાઝોડું હશે. 
 
બીજી તરફ ગુજરાતમાં ચોમાસું પૂરું થઈ ગયા બાદ પણ કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી અને યમન તરફ ગયેલી એક સિસ્ટમને કારણે પહેલાં વરસાદ પડ્યો.  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે (20 ઓક્ટોબર) દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે અમદાવાદના વાતવરણમાં એકાએક પલટો આવ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. 
 
 
 
જે બાદ બંગાળની ખાડીમાં એક ડીપ્રેશન સર્જાયું અને તે તામિલનાડુ અને કર્ણાટક પરથી થઈને અરબી સમુદ્રમાં આવ્યું તેના કારણે રાજ્યમાં હાલ વરસાદ પડી રહ્યો છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં આગામી ત્રણથી ચાર દિવસોમાં ફેરફાર થવાની શક્યતા છે.
 
બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાશે તે દેશનાં ઘણાં રાજ્યોને અસર કરશે અને જો મજબૂત બની તો ગુજરાતના હવામાન પર પણ તેની અસર થવાની શક્યતા છે.
 
વાવાઝોડું બનશે તો કઈ તરફ જશે અને ગુજરાતને અસર થશે?
 
 ભારતમાં સામાન્ય રીતે ચોમાસા બાદ અને ચોમાસા પહેલાં વાવાઝોડાં સર્જાતાં હોય છે, હાલ ભારતના દરિયામાં વાવાઝોડાની સિઝન ચાલી રહી છે. જેથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સતત સક્રિય છે.
 
બંગાળની ખાડીમાં સર્જાનારાં વાવાઝોડાં સીધાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ કે તામિલનાડુના દરિયાકિનારાને અસર કરતાં હોય છે. હાલની આ સિસ્ટમ આંદામાન સાગરમાંથી બંગાળની ખાડીમાં આવશે અને તે બાદ તે ઉત્તર-પશ્ચિમ તરફ પ્રથમ આગળ વધે તેવી સંભાવના છે.
 
જોકે, હવામાનનાં વિવિધ મૉડલો હાલ વિવિધ સ્થિતિ દર્શાવી રહ્યાં છે એટલે કે તે કઈ તરફ જશે તે વિશે સિસ્ટમ બન્યા બાદ અને આગળ વધ્યા બાદ જ ચોક્કસ માહિતી મળી શકશે.
 
અત્યારે જે સ્થિતિ છે તે પ્રમાણે તે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને વધારે અસર કરે તેવી સંભાવના છે. જોકે, તેમાં ફેરફાર થવાની સંભાવના છે.
 
જો વાવાઝોડું બન્યું તો પણ ગુજરાતને તેનાથી વધારે અસર થવાની શક્યતા નથી. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં મજબૂત બનશે તો ગુજરાતમાં પવનની દિશા બદલાવાની અને વરસાદ બંધ થવાની શક્યતા છે.
 
બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતને થતી નથી, પરંતુ તેના લીધે ભેજ આખો વાવાઝોડાં તરફ ખેંચાઈ જતાં રાજ્યનું હવામાન સૂકું બની જતું હોય છે.
 
ગુજરાતમાં 19થી 21 ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જે બાદ વરસાદનું જોર ઘટી જશે અને લગભગ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર