સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢના માંગરોળમાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથમાં 3 કલાકમાં 4 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ અને વેરાવળમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી 43.15% જેટલો વરસાદી વરસી ચૂક્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકના સુત્રાપાડા, વાવડી, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે.
તો બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારા વરસાદ પડે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 4, 5 અને 6 ઓગષ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગષ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લા ભારે વરસાદના આગાહી છે.