ગુજરાત સ્થાપના દિને રાહુલ ગાંધી ગુજરાતમા સભા સંબોધશે

શનિવાર, 22 એપ્રિલ 2017 (13:29 IST)
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી પહેલી મેના ગુજરાત સ્થાપના દિને ગુજરાતમાં જનસભા સંબોધશે. ભરૂચ જિલ્લાના ડેડિયા પાડા ખાતે આદિવાસી જનઅધિકાર સભાને રાહુલ ગાંધી સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણનો રાહુલ ગાંધીએ સ્વીકાર કરીને ગુજરાત મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, રાહુલ ગાંધી પહેલી મે ના રોજ ભરૂચના ડેડીયાપાડામાં આદિવાસી જનઅધિકાર સભાને સંબોધન કરશે.

સભામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તે માટે પ્રદેશ કોંગ્રેસે અત્યારથી જ તૈયારી આદરી છે. રાહુલ જનસભામાં આદિવાસીઓને સરકાર જમીનના અધિકાર આપવામાં નિષ્ફળ નીવડી છે તે સહિત ગુજરાત અને કેન્દ્ર સરકારની કામગીરી પર માછલાં ધોશે. આદિવાસી મતક્ષેત્રમાં કોંગ્રેસની પકડ મજબૂત થાય તે માટે આ જનસભાનું આયોજન કરાયું છે. ગુજરાત વિધાનસભામાં આદિવાસી અનામત બેઠકોની સંખ્યા ૨૭ છે, જે પૈકી ૧૫ બેઠકો કોંગ્રેસ પાસે છે. આ બેઠકોમાં ગાબડું ન પડે અને બેઠકો વધે તે આશયે કોંગ્રેસે જનસભા સિરીઝ શરૂ કરી છે. અંબાજીથી શરૂ કરવામાં આવેલી જનસભા બાદ અત્યાર સુધીમાં કુલ ત્રણ જનસભા યોજવામાં આવી છે અને આ ચોથી જનસભા ડેડિયાપાડા ખાતે યોજવામાં આવશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતમાં બોલાવવા કોંગ્રેસને બીજી વાર આમંત્રણ આપવું પડયું હતું. અગાઉ આદિવાસી અધિકાર યાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. જોકે જે તે વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ આચારસંહિતાનું ગ્રહણ નડતાં યાત્રા મુલતવી રાખવી પડી હતી,હવે કાળઝાળ ગરમીમાં સળંગ યાત્રા ચાલુ રહે તો કાર્યકરોની હાજરી પાંખી રહેશે તેવી ભીતિને ધ્યાને રાખી યાત્રાને બદલે જનસભા સિરીઝ શરૂ કરી હતી. જનસભામાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના સાંસદ એહમદ પટેલ, પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ પણ જોડાવાના છે.

વેબદુનિયા પર વાંચો