રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને તાબડતોબ બોલાવ્યા, ભરતસિંહ અને ગેહલોત દિલ્હી ઉપડી ગયા

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (12:23 IST)
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તથા પ્રભારી આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. આજે વહેલી સવારે ભરતસિંહ સોલંકી અને અશોક ગહેલોત દિલ્હી રવાના થયા છે. તેઓ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આક્રમક પ્રચાર છતાં થયેલી હાર અને ગુજરાતની ભુલો સુધારી અન્ય રાજ્યોમાં કઇ રીતે કરવો પ્રચાર તેની ચર્ચા કરાશે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની થયેલી હારની સમીક્ષા આજે દિલ્હીમાં હાથ ધરાશે. વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની  ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે હકારાત્મક વાતાવરણ હતું. છેલ્લા 22 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી સામે રાજ્યમાં સત્તાવિરોધી લહેર જોવા મળતી હતી.

જોકે તેનો ફાયદો કોંગ્રેસ પાર્ટી ઉપાડી શકી નહોતી અને માત્ર 80 બેઠકો સાથે એને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. જોકે હજુ સુધી કોંગ્રેસના નેતાઓને ગુજરાતની હારની કળ વળી નથી. આ હારના કારણોની ચર્ચા આજે હાથ ધરાશે. આજની હાઇકમાન્ડ સાથેની બેઠક અંગે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે રાહુલ ગાંઘી સાથે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ સંગઠને કરેલા કામનું વિશ્લેષણ કરી દેશમાં અન્ય રાજ્યોમાં આવનારા ચૂંટણીમાં કઇ રીતે પ્રચાર કરવો તેની ચર્ચા કરાશે. આ સિવાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટેની ચર્ચા થશે. ભરતસિંહ સોલંકીએ એમ પણ જણાવ્યું કે રાજ્યસભાની ચુંટણીનો નિર્ણય હાઇકમાન્ડ કરશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આક્રમક રણનીતિ અપનાવનાર કાંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે બેઠક અંગે જણાવ્યું હતું કે બેઠકનો મુખ્ય એજન્ડા કોંગ્રેસની હારના કારણોની સમીક્ષા કરવાનો છે. ગુજરાતનો કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ખૂબ અલગ હતો. રાહુલ ગાંધી ગુજરાતના તમામ ખૂણે પહોંચ્યા અને તેમને લોકોના આશીર્વાદ મળ્યા. આમ, આજની બેઠકમાં આવનારી લોકસભામાં કઇ રીતે વિધાનસભામાં મળેલી બેઠકો પ્રમાણે લોકસભાની સીટો જીતવી અને લીડ જાળવી રાખવી તે અંગે પણ ચર્ચા થશે. આ સાથે જ ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર અને નિષ્ક્રિય રહેલા નેતાઓ સામે કેવા પગલાં લેવા તે નક્કી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર