ધોળાવીરાના વિકાસ માટે પોસ્ટલ બેંક અને મોબાઈલ ટાવરની સુવિધા શરૂ કરાશે

બુધવાર, 22 જૂન 2022 (09:53 IST)
કચ્છના બે દિવસના પ્રવાસે આવેલ કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે  ધોળાવીરા મધ્યે આવેલ 5 હજાર વર્ષ જૂની વૈશ્વિક આર્કિયોલોજિકલ સાઈટની મુલાકાત લીધી હતી. ભારતીય આર્કિયોલોજી વિભાગના સુપ્રિટેન્ડેન્ટ અભિજિત આંબેકર અને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ રાહુલ ભોંસલે અને ધોળાવીરા સાઈટના ખોદકામ દરમ્યાન સાક્ષી રહેલ સરપંચ જીલુભા જાડેજા અને સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી મંત્રીશ્રીએ રૂબરૂ મુલાકાત દરમિયાન ધીરજપૂર્વક વિસ્તૃત જાણકારી મેળવી હતી. 
 
ધોળાવીરા સાઈટ વિઝિટ બાદ પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે દેશના 75 આઇકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી ભારતના ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયાથી માંડીને પ્રવાસન વિકાસ અર્થે માળખાગત સુવિધાઓના વિકાસ માટે વર્તમાન કેન્દ્ર સરકાર સતત સક્રિય છે. 
મીડિયા સાથે વાત કરતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ધોળાવીરાની હડ્ડપન નગર રચના 5000 વર્ષ પૂર્વેની ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધિને ઉજાગર કરતો જીવંત વારસો છે. એ સમયની નગર રચના, માળખાગત સુવિધાઓ 5000 વર્ષ પૂર્વે લોકો માટેની સુવિધાઓ અને વિકાસનું પ્રતિબિંબ દર્શાવે છે. આજે ધોળાવીરા જ્યારે વૈશ્વિક પ્રવાસનનું સ્થળ બન્યું છે ત્યારે અહીં સતત માળખાગત સુવિધાઓ વિકસાવાઈ રહી છે. 
 
ગ્રામજનો સાથેના સંવાદ દરમિયાન નાણાકીય વ્યવહાર અને મોબાઈલ કનેકટીવિટી સંદર્ભે ધ્યાન દોરાતાં સ્થળ ઉપર જ આ અંગે નિરાકરણ લાવતા મંત્રી દેવુસિંહ ચૌહાણએ જાહેરાત કરી હતી કે, ભારતીય ડાક વિભાગ દ્વારા ધોળાવીરા મધ્યે ટુંક સમયમાં જ પોસ્ટલ બેંક સુવિધા શરૂ કરાશે તેમજ કચ્છ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં 453 જેટલા મોબાઈલ ટાવર ઊભા કરાશે. જેથી મોબાઈલ નેટવર્ક પણ વધુ સુદ્રઢ બની જશે. ધોળાવીરા મધ્યે પ્રવાસનના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર વચનબદ્ધ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર