ગુજરાતના 5 લાખથી વધારે ખેડૂતોને મળશે પીએમ પૅન્શન યોજનાનો લાભ
સોમવાર, 26 ઑગસ્ટ 2019 (12:23 IST)
ગુજરાતમાં બે હેક્ટરથી ઓછી ખેતીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો પૈકી દસેક ટકા યાને ચાર-પાંચ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન પેન્શન (માનધન) યોજનાનો લાભ મળવાનો અંદાજ છે, જે યોજનાનો ચાલુ માસાન્તે અમલ થશે તેમ ટોચના સૂત્રો જણાવી રહ્યાં છે. કિસાન પેન્શન યોજનામાં ૬૦ વર્ષે મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે. ૧૮થી ૪૦ વર્ષ વયજૂથના નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનામાં આવરી લેનારા છે. વયજૂથ પ્રમાણે પ્રીમિયમ ભરવાના સ્લેબ નક્કી થયા છે, જે મુજબ ૧૮ વર્ષના યુવા ખેડૂતે મહિને રૂ. ૫૫ પ્રીમિયમ ભરવું પડશે અને એટલી જ રકમ કેન્દ્ર સરકાર એલઆઈસીમાં જમા કરાવશે. જ્યારે ૪૦ વર્ષની વય ધરાવતા ખેડૂતે મહિને રૂ. ૨૦૦ પ્રીમિયમ ભરવાનું રહેશે અને એટલું જ પ્રીમિયમ કેન્દ્ર સરકાર જમા કરાવશે. ૪૦ વર્ષથી વધુ વયના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં. પેન્શનર કિસાનનું ૬૦ વર્ષ બાદ મૃત્યુ થાય તો તેની પત્ની અથવા પતિને ૫૦ ટકા ફેમિલી પેન્શનનો લાભ મળશે. જો ૬૦ વર્ષ પહેલાં કિસાનનું મૃત્યુ થાય તો તેણે ભરેલા હપ્તા વ્યાજ સહિત પરત અપાશે અને જો એની પત્ની કે પતિ આ યોજના ચાલુ રાખવા માગે તો પ્રીમિયમ ભરવાથી યોજનામાં ચાલુ રહી શકાશે. વ્યવસાયિકોને, સરકારી નોકરિયાતોને, આવકવેરો ભરનારાઓને આ યોજનાનો લાભ નહીં મળે. આ યોજના મરજિયાત રહેશે અને યોજનામાં દાખલ થનારે ૬૦ વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે. રાજ્યમાં કુલ ૫૪ લાખ જેટલા નાના અને સીમાંત ખેડૂતો છે, જે પૈકી ૧૦ ટકા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે એવી ગણતરી છે.