મારી દીકરી લોકશાહીમાં જીવે છે, ટિકિટ માગવા માટે સ્વતંત્ર છે : PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી

મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (09:28 IST)
અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો સોમવારથી પ્રારંભ થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ તેમની પુત્રી સોનલ મોદીએ માગેલી ટિકિટ અંગે ટકોર કરી હતી કે, દીકરી લોહશાહીમાં જીવે છે અને ટિકિટ માગવા માટે સ્વતંત્ર છે. એના મનમાં કેવી ભાવના હશે કે વડાપ્રધાન તેના મોટા બાપા છે એટલે લાભ મળી શકે. મારા મતે મારી દીકરીને કેટલું મહત્ત્વ અપાય છે તેને આધારે પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્રભાઈની કેટલી ઈજ્જત કરે છે તેનો ખ્યાલ આવી જશે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે 60 વર્ષથી વધુની ઉંમરના, 3 ટર્મથી વધુ વખત ચૂંટાયેલા અને નેતાઓના સગાં-સંબંધીને ટિકિટ નહીં આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણય મુજબ અમદાવાદની સ્થિતિ જોઈએ તો કુલ 39 કોર્પોરેટરોને ટિકિટ ન મળે તેવી શક્યતા ઊભી થઈ છે. જેમાં 26 કોર્પોરેટરો એવા છે જેમની ઉંમર 60 કે તેથી વધુની છે. આ પૈકીના પાંચ કોર્પોરેટરો 3 ટર્મથી વધુ વખત ચૂંટાઈ આવ્યા છે અને તેમની ઉંમર 60થી વધુ છે. જ્યારે બાકીના 21 કોર્પોરેટરો ત્રણ ટર્મથી વધુ વખતથી ચૂંટાઈ આવે છે. આ ઉપરાંત અમદાવાદ ભાજપના ત્રણ સિનિયર નેતાઓએ તેમના દીકરા માટે ટિકિટ માગી છે. મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને કોર્પોરેટર તુલસી ડાભીનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર