પાટીદાર સમાજ સરકાર એક મંચ પર - સુરતમાં ‘કિરણ’ હોસ્પિટલના લોકાર્પણમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે

બુધવાર, 12 એપ્રિલ 2017 (14:02 IST)
આગામી સોમવારે સુરત તબીબી ક્ષેત્રે નવો આયામ સર કરી રહ્યું છે. ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે સૌથી અદ્યતન કહેવાતી કિરણ હોસ્પિટલનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી અને પાટીદાર સમાજ વચ્ચે થનારા જાહેર મિલનને પગલે રાજ્યભરમાં ભારે કૌતુક છવાયું છે. સમાજ અને સરકાર ફરી એક વખત એક મંચ ઉપર એકસાથે ઉપસ્થિત થઇ રહ્યાં છે ત્યારે અનેક અટકળો અને ચર્ચાઓ તેજ બની છે. છેલ્લા દોઢેક વર્ષથી રાજ્યમાં પાટીદાર સમાજમાં અસંતોષની જ્વાળા ઊઠી છે.
 
પોતાની માંગણી સંદર્ભે સરકારથી સમાજ ખફા થયો હોવાનું ચિત્ર ઊભું થયું છે. આ અસંતોષની જ્વાળા તબક્કાવાર ઠરી રહી છે. આ હકીકત વચ્ચે ભૂતકાળમાં પાટીદાર સમાજને હોસ્પિટલ બનાવવા જમીન અપાવનારા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જ સોમવારે હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી રહી છે. આ પ્રસંગે પાટીદાર સમાજને એકજૂટ કરવા ૨૦ હજારથી વધુ લોકોને આમંત્રણ અપાયું છે. જોકે, સમાજના રાજ્યસ્તરના કેટલાક અગ્રણીઓને આમંત્રણમાંથી બાકાત રખાયા હોવાનું કહેવાય છે. સુરતના કતારગામ વિસ્તારમાં રૃપિયા ૫૦૦ કરોડથી વધુના ખર્ચે વર્લ્ડ કલાસ સુવિધા ધરાવતી કિરણ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. જેનું ઉદ્ઘાટન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી રવિવારે રાતે સુરત આવી રહ્યાં છે. આ પ્રસંગે પી.એમ. મોદીના શાહી સ્વાગતમાં કોઇ કચાશ બાકી નહીં રહે એ માટે હોસ્પિટલના દાતાઓ અને ટ્રસ્ટીઓ દ્વારા કોઇ કચાશ બાકી રાખવામાં આવી નથી. નાનામાં નાની બાબતો ઉપર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. 

વેબદુનિયા પર વાંચો