પાલાવાસણા સ્થિત પાર્લરમાંથી રૂ. 9,500ની ચોરી કરવાના કેસમાં પકડાયેલા કેતન મહેન્દ્રભાઈ પટેલની મહેસાણા તાલુકા પોલીસે ગુરુવારે અટકાયત કરી હતી અને શુક્રવાર સુધી પોતાના કબજામાં રાખ્યો હતો. શનિવારે મહેસાણા સબ જેલમાં મોકલાયો હતો. મંગળવારે વહેલી પરોઢે 4.10 ના સુમારે તાવની ફરિયાદ કરતાં તેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. સમાચાર મળતાં જ બલોલ સહિતનાં ટોળેટોળાં સિવિલ હોસ્પિટલમાં ઉમટયાં હતાં અને પોલીસ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.
પાટીદાર યુવાનનું પોલીસના મારના કારણે મોત થયું હોવાના મેસેજ ફરતા થઇ જતાં પાટીદારો સિવિલમાં દોડી આવતાં તંગદિલી છવાઇ ગઇ હતી.જ્યાં સુધી પોલીસ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી લાશ નહીં ઉઠાવવા નિર્ણય કરતાં તંત્ર સતર્ક થઇ ગયું હતું અને સિવિલની બહાર પોલીસ ખડકી દીધી હતી. બીજી તરફ પાટીદારોએ જ્યાં લાશ પડી હતી તે ટ્રોમા સેન્ટરની બહાર જ ધામા નાખતાં તંત્ર હચમચી ગયું હતું.