સુરતમાં યોજાયેલ રેલીમાં યુવા ભાજપ પ્રમુખ પર કાળી શાહી ફેંકાઈ, વાતાવરણ તંગ બનતાં પોલીસ ખડકાઈ

બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (16:12 IST)
સુરતના વરાછા વિસ્તારમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુકત પ્રમુખ ડો.ઋત્વિજ પટેલની રેલીમાં પાટીદારોએ ગેરિલા ઢબે હુમલો કર્યો હતો. ઋત્વિજ પટેલની પાઘડી જમીન પર ફગાવી દીધી હતી અને તેમના પર કાળી શાહી ફેંકતાં સનસનાટી મચી ગઈ હતી. રેલીના રૂટ પર ઇંડા, પાણીના પાઉચ ફેંકવા ઉપરાંત પાટીદારોએ વિરોધ પ્રદર્શન કરી ભાજપના બેનરો ફાડી નાંખતા વાતાવરણ ગરમાયું હતું. ડો. ઋત્વિજ પટેલના ફુલહારમાં ખુજલી ચડે તેવો પાઉડર પણ ભેળવી દીધો હતો. તો સામે પક્ષે આ ઘટનાના પ્રત્યાઘાતમાં પુણાગામ સીતાનગર ચોકડીએ પાસના કાર્યકર વિજય માંગુકીયા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો. તેને ઢોર માર મારી લોહી લુહાણ કરી દેવાયો હતો, પરિણામે વાતાવરણ તંગ બની ગયું હતું.  આ ધમાચકડી ચાલુ જ હતી એ દરમિયાન સામે પક્ષે ભાજપના કાર્યકરોએ પણ ઉગ્ર પ્રત્યાઘાત આપતાં સીતાનગર ચોકડી વિસ્તારમાં નજરે ચડી ગયેલા પાટીદાર કાર્યકર વિજય માંગુકીયાને ભાજપ કાર્યકરોએ ઘેરી લઈ તેના પર હુમલો કરતાં તેને લોહીલુહાણ કરી દીધો હતો. ભારે વિરોધ વચ્ચે પુણા રોડ ખાતે રેલી પુર્ણ થઇ જ્યાં ઋત્વિજ પટેલએ જાહેર સભા સંબોધી હતી. તેમાં ઋત્વિજે  કહ્યું હતું કે, કોંગ્રેસે 3 ભાડુતી ગુંડા લાવીને તેની હલકી મનોવૃત્તિનું દર્શન કરાવ્યું છે. હવે જો કાંકરીચાળો કરાશે તો યુવા મોરચો તેનો જડબાતોડ જવાબ આપશે. પોલીસે સાવચેતીના પગલારૂપે સુરત પાસના નેતા ધાર્મિક માલવિયા સહિતના 12 જેટલા યુવકોની અટકાયત કરી હતી. બીજી બાજુ વાતાવરણ તંગ બનતા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત વરાછા વિસ્તારમાં ગોઠવી દેવાયો હતો. ડો. ઋત્વિજ પટેલએ સરથાણા ખાતે શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલી આપ્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો સાથે બાઇક રેલીમાં જોડાયા હતા. જો કે સરથાણા વિસ્તારથી વરાછા વિસ્તાર તરફ નીકળેલી ઋત્વિજ પટેલની બાઇક રેલી દરમિયાન અચાનક પાસના કાર્યકરો દ્વારા ઇંડાનો મારો ચલાવવાનું શરૂ કરાતાં ધમાચકડી મચી ગઇ હતી. એટલું જ નહિં પરંતુ પાસના કાર્યકર દ્વારા રેલીમાં નિકળેલી બાઇકો પર શાહી, પાણીના પાઉચ, ફુલ વિગેરે ફેંકીને વાતાવરણ હિંસાયુકત બનાવવાના પ્રયાસ કરાયા હતા. યોગીચોક પાસે ડો.ઋત્વિજ પટેલની પાઘડી ફેંકીને તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. આમ પાસના કાર્યકરોએ રેલી રોકવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જો કે ભારે વિરોધ વચ્ચે પણ પુણા રોડ ખાતે પુર્ણ થઇ જ્યાં ઋત્વિજ પટેલએ જાહેર સભા સંબોધી હતી. સામાન્ય રીતે અત્યાર સુધી ભાજપનો ગઢ ગણાતો વરાછા વિસ્તાર પાટીદાર અનામત આંદોલન બાદ બે ભાગમાં વહેંચાઇ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી પાસના નેતાઓ દ્વારા ભાજપના દરેક કાર્યક્રમનો વિરોધ કરવામાં આવે છે. થોડા સમય અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણીના અભિવાદન કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરીમાં ભારે ધમાલ કરાઇ હતી. જેથી કાર્યક્રમ ટૂંકાવવાની ફરજ પડી હતી.

વેબદુનિયા પર વાંચો