રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં ભેળવવા સામે કોંગ્રેસે કહ્યું, શિક્ષણ વ્યવસ્થાને બચાવવા આક્રમકતાથી લડત અપાશે

શનિવાર, 12 જૂન 2021 (16:59 IST)
રાજ્ય સરકારે 2009માં ખાનગી યુનિવર્સિટી એક્ટમાં સુધારો કરીને ગ્રાન્ટેડ કોલેજો પણ ખાનગી યુનિવર્સિટીમાં જોડાઈ શકે તે માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. રાજ્યમાં આશરે 350થી 400 જેટલી ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં ભળી જાય તો સરકાર પણ આર્થિક ભારણ ઓછું થાય તેવો હેતુ હોવાનું ચર્ચાય છે. સરકારના આ સુધારા સામે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે રાજ્યપાલને આવેદન પાઠવીને વિરોધ કર્યો છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર શિક્ષણને વેપલો બનાવી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે શિક્ષણને વેપલો બનાવી દીધો છે. ખાનગી યુનિવર્સિટીમાં ફીના અતિ ઊંચા ધોરણને કારણે મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવાની ફરજ પડી રહી છે. ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ કોલેજોના સમાવેશ સામે કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં અને જે તે યુનિવર્સિટી કક્ષાએ વ્યાપક વિરોધ કર્યા હતા. કોંગ્રેસ પક્ષના આક્રમક વિરોધના કારણે સરકારે વિધાનસભામાં ખાતરી આપી હતી. ફરી એકવખત ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં જોડાવાના નિર્ણયના વિરોધમાં અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બચાવવા આક્રમકતાથી લડત અપાશે. ગુજરાત સરકારે 2009માં ખાનગી યુનિવર્સિટી એકટ બનાવ્યો છે.આ એક્ટમાં ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ થઈ શકે તેની સ્પષ્ટતા નહોતી છતાં પણ કેટલીક ગ્રાન્ટેડ કોલેજોની ખાનગી યુનિવર્સિટીમાં જોડાવાની હિલચાલ શરૂ થઈ હતી. આથી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે રજૂઆત કરતા સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં 2011માં સુધારો કરી ગ્રાન્ટેડ સંસ્થાઓ સિવાયની ખાનગી સંસ્થાઓ ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરી શકાશે તેમ ઠરાવ્યું હતું. તાજેતરમાં આ પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં સુધારો થયો છે. એટલે કે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ 2009નો સુધારો 2011માં થયો અને તેનો પાછો નવો સુધારો 2021માં થયો છે. 2021ના સુધારામાં એવું કરવામાં આવ્યું છે કે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં જોડાઈ શકશે નહીં તે 2011ના સુધારાને 2021માં રદ કરવામાં આવ્યો છે. 2009માં પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં થયેલા સુધારા બાદ તા.13-5-2021ના રોજ જે નવો સુધારો આવ્યો તેમાં 2011ના સુધારાના સેક્શનમાં બદલાવ કરીને જે સુધારો દાખલ કર્યો છે તે પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજના જોડાણને અનુમોદન આપે છે.જો ખાનગી યુનિ. એક્ટમાં સુધારાનો અમલ થાય તો રાહતદરે શિક્ષણ આપતી ગ્રાન્ટેડ કોલેજોમાં ફી વધારો થઈ શકે છે. ઉપરાંત અનુદાનિત યુનિવર્સિટીમાંથી ખાનગી યુનિવર્સિટીમાં જોડાણ થતા અધ્યાપકોની નોકરીની શરતો તેમજ તેમના અન્ય લાભો જોખમમાં મુકવાની શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર