ગુજરાતમાં હવેથી RTOની તમામ ચેકપોસ્ટ નાબૂદ થશે, ઓનલાઇન દંડ લેવાશે
બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (12:24 IST)
ગુજરાતમાં હાઈવે પર ભારે વાહનો દ્વારા થતી ગેરરીતિ અને નિયમોના ભંગના ચેકિંગ તેમજ દંડની વસૂલાત માટે બનાવવામાં આવેલી 16 જેટલી આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણીની બાબતોને ધ્યાને લઇ વાહન વ્યવહાર વિભાગ ચેકપોસ્ટ નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની વ્યવસ્થા ગોઠવશે. ચેકપોસ્ટ ઉપર સ્ટાફ અને મળતિયાઓ દ્વારા ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદો સરકારને મળી છે. ચેકિંગને કારણે વાહનોની લાંબી લાઇનો લાગે છે તેમજ અન્ય ટ્રાફિકને પણ અડચણરૂપ થાય છે. આ સિવાય 16 જેટલી ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટી માટે મોટી સંખ્યામાં સ્ટાફ ફાળવવો પડે છે, જેથી કચેરીઓમાં વહીવટી અને અન્ય કામગીરી માટે પૂરતો સ્ટાફ મળતો નથી. આ તમામ બાબતોના નિરાકરણ માટે સરકારે ચેકપોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે, ચેકપોસ્ટ નાબૂદ કરીને વાહનમાલિકો ટેક્સ, ઓવરલોડ દંડની રકમ ઓનલાઇન ભરે અને વાહનની સાથે પાવતી રાખે તેવી વ્યવસ્થા ગોઠવાશે. સૂત્રોના જણાવ્યાનુસાર માર્ગો પર ફ્લાઇંગ સ્ક્વોડ સક્રિય બનાવાશે અને તેઓ ગમે ત્યારે ચકાસણી કરશે. જેમણે ઓનલાઇન ટેક્સ કે દંડ નહીં ભર્યો હોય તેમની પાસેથી 10 ગણો કે તેથી વધુ દંડ વસૂલાશે. ચેકપોસ્ટ નાબૂદ થયા બાદ આરટીઓના અધિકારી અને કર્મચારીઓની વ્યાપક બદલીઓ કરવામાં આવશે. ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા તમામ કર્મીઓને કચેરીઓમાં પોસ્ટિંગ અપાશે. જ્યારે પ્રામાણિક અધિકારીઓની ફ્લાઇંગ સ્ક્વોડ બનાવાશે જે માર્ગો પર વાહનોના ચેકિંગની કામગીરી કરશે.