ગણેશ ચતુર્થી અને સંવંત્સરીના પાવન પર્વે નડિયાદની જનતાને રૂ. 42.30 કરોડના વિકાસ કામોની સોગાદ
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (10:18 IST)
ગણેશ ચતુર્થી અને સંવંત્સરીના પાવન પર્વે સાક્ષર ભૂમિ નડિયાદની જનતાને રૂ. 42.30 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકો સુખાકારી જીવન જીવી શકે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેને પરિણામે નાગરિકોના જીવન ધોરણમાં સુધારો થયો છે.
નાગરિકોના જીવન ધોરણને ઉચ્ચ લાવવા પાયામાં જિલ્લા પંચાયત રહેલી છે. ગુજરાત સહકારી અને પંચાયતી રાજમાં આગવું સ્થાન ધરાવે છે શહેરનો ડભાણ રોડ એ પ્રજાના પ્રશ્નોને ઉકેલ લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે એવો વિશ્વાસ વ્યકત કરી તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચોની કામગીરી બિરદાવી અને ગણેશ ચતુર્થીના પાવન અવસરની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
પંચાયત વિભાગના છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલા રોજગારી અને વિવિધ વિકાસ કામોની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં 3000 ગ્રામ પંચાયતના મકાનોના નિર્માણની કામગીરી, રા૫૨ તાલુકા પંચાયતના અધિકારીઓ, પંચાયત વિભાગના વિવિધ 17 સંવર્ગની 13331 જગ્યાઓમાં નિમણૂંક અને આગામી સમયમાં વિવિધ સંવર્ગમાં નિમણૂંક પત્રો આપવામાં આવશે.
સંતરામ મહારાજની પાવન ભૂમિમાં અવતરેલા તમામ મહાપુરુષોને યાદ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે સરદાર સાહેબના એક ભારતથી શરૂ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શ્રેષ્ઠ ભારત સુધીની વિકાસ યાત્રામાં મુખ્ય મંત્રીશ્રીના નેતૃત્વમાં વિકાસના અનેક આયામો સર કર્યા છે.
ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે સૌનો આવકાર કરતા ખેડા જિલ્લાના સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસમાં યોગદાન આપનાર મહાનુભાવોનું સ્મરણ કરતાં જણાવ્યું કે, 1976માં તે વખતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે જિલ્લા પંચાયત ભવનને ખુલ્લું મૂક્યું હતું. આજે 46 વર્ષ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે જે ગૌરવની વાત છે. ખેડા જિલ્લો આજે સમગ્ર રાજ્યની સાથે વિકાસના તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અંદાજે રૂ. 27 કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવા સાથે નડિયાદ, માતર અને વસો તાલુકામાં જન સુવિધા અને જનસુખાકારીના રૂ.15.30 કરોડના વિકાસ કામો સહિત કુલ રૂ. 42.30 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે, બે દાયકા પૂર્વે વિકાસ માત્ર એક ક્ષેત્ર કે વિસ્તાર પૂરતો સીમિત હતો. જેમ કે, વડોદરાથી વાપી સુધી જ ઔદ્યોગિક વિકાસ થતો હતો. આજની સ્થિતિએ વિકાસની ક્ષિતિજો વિસ્તરી છે અને ગામડા તથા તાલુકા સુધી તમામ પાયાની સુવિધાઓ સાથે જિલ્લા મથકો ઉપર આધુનિક સુવિધાઓ આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતા જણાવ્યું કે, પહેલા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો હતો. જે આજે ઘટીને માત્ર 3 ટકા જેટલો જ રહ્યો છે. તેની સાથે આરોગ્ય ક્ષેત્રે પણ સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. જન આરોગ્યની ખેવના માટે ગામેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વેલનેસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. તેનાથી ગ્રામીણોને ઘરઆંગણે આરોગ્યની સુવિધા પ્રાપ્ત થઇ રહી છે.
આ આરોગ્યની સુવિધાઓ કેટલી ફાયદાકારક બની તે બાબતનો ખ્યાલ કોવિડ મહામારી સમયે આપણને આવ્યો હતો, તેમ કહેતા શ્રી પટેલે એમ પણ ઉમેર્યું કે, કોવિડ મહામારીમાં આ આરોગ્ય કેન્દ્રો આશીર્વાદ સ્વરૂપ સાબિત થયા હતા. આ વૈશ્વિક મહામારીમાં વિકસિત દેશોએ પણ પોતના નાગરિકોને બેહાલ છોડી દીધા હતા. તેવા કપરા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળી દેશના નાગરિકોને આ કપરા કાળમાંથી બહાર કાઢ્યા છે. તેમણે દેશના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સીન આપી સુરક્ષા કવચ પૂરૂ પાડ્યું છે. એટલું જ નહીં, તેમણે ગરીબોની પણ ચિંતા કરી તમામ ગરીબ પરિવારોને મફત અનાજ આપી તેમની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો યજ્ઞ શરૂ કર્યો તે આજે પણ ચાલું છે.
રાજ્યની સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપન અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારી સરકારે આ ચાલુ નાણાકીય વર્ષનું બજેટ સૌથી મોટા કદનું આપ્યું હતું. તે બાબત રાજ્યના સર્વાંગી વિકાસને દર્શાવે છે. શ્રેષ્ઠ નાણાંકીય વ્યવસ્થાપન માટે નીતિ આયોગના રિપોર્ટ પણ ગુજરાતને નંબર વન આપે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે, ગુજરાત વિકાસની વધુ તેજ ગતિથી આગળ વધે તે માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સરકારની વિવિધ લોકકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોવાથી ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે.
નરેન્દ્ર મોદીએ મા ભારતીનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું છે, તે બાબતનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, દેશના તિરંગાની તાકાત શું છે? તે આપણને યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન જોવા મળી છે. આપણો તિરંગો હાથમાં લઇ ત્યાં ફસાયેલા છાત્રો સહી સલામત યુદ્ધક્ષેત્રમાંથી બહાર નીકળી શક્યા હતા.