ગુજરાતમાં ધીમે ધીમે મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામા આજે મેઘરાજાની પધરામણી થતા ખેડૂતો ખુશ થયાં હતાં. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બે ઇંચ સુધીનો વરસાદ ખાબકતાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતા. ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમા મેઘરાજાએ મહેર કરી હતી. જેને પગલે શેલદેદુમલ નદીમા પુર આવ્યું હતુ. અહી લોકો પુર જોવા માટે એકઠા થયા હતા.
ચલાલા નજીક આવેલ કથીરવદર ગામે નાળાનુ કામ છેલ્લા છએક માસથી શરૂ હોય પરંતુ અહી ડાયવર્ઝનમા પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણુ બની ગયુ હતુ જેને પગલે લોકોને અગવડતા પડી હતી. મીઠાપુર ગામે વીજળી પડતા સીમમાં ખેતરમાં કામ કરતી કમરીબેન ભગાભાઇ કોટડીયા નામની મહિલાનું મોત થયું હતુ. સિદ્ધપુર પંથકમાં અને શંખેશ્વર તાલુકાના રાજપુરા ગામે ભારે વરસાદ વરસ્યો હતો.