રાજ્યમાં બેટ દ્વારિકા પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

શુક્રવાર, 25 જૂન 2021 (17:44 IST)
રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે 
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. 
 
ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને ૧૪૪થી વધુ આયલેન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ-ટાપુઓના વિકાસ માટે રાજ્ય સરકારે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક-સોશિયો ઇકોનોમિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે. 
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકે બેટ દ્વારિકામાં ૧પ, શિયાળ બેટમાં ર૦ અને પિરોટન ટાપુના ૧ર મળી કુલ ૪૭ પ્રોજેકટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિશાદ પરામર્શ-વિચારણા હાથ ધરી હતી. મુખ્યમંત્રીશ્રી ઉપરાંત આ બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા. 
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ અને વિશ્વના આ ક્ષેત્રના તજજ્ઞોની સેવાઓ જોડવાના અગાઉની બેઠકમાં કરેલા સૂચન સંદર્ભે હાથ ધરાયેલી કાર્યવાહીની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. 
 
તદઅનુસાર, બેટ દ્વારિકામાં ઇકો ટુરિઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, બિચફ્રન્ટ ડેવલપમેન્ટ, લેઇક ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડોલ્ફીન વ્યૂઇંગ  સહિતના પ્રવાસન સુસંગત પ્રોજેકટ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે રૂ. ર૮.૯પ કરોડના વિવિધ કામો માટે વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેકટ રિપોર્ટ મંજૂર કરી દેવાયો છે. 
શિયાળ બેટ ટાપુ ઉપર ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, ડોલ્ફીન વ્યૂઇંગ  પોઇન્ટ, આર્કિયો લોજીકલ ડિસપ્લે ગેલેરી, બીચફ્રન્ટ ડેવલપમેન્ટ અને વોટર એક્ટિવિટીઝ જેવા કામો સહિતના ટુરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સોશિયો ઇકોનોમિક પ્રોજેકટસના કુલ ૩પ.૯પ કરોડના કામો માટે પણ વિકાસ એજન્સીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. 
 
પિરોટન ટાપુ પર ટૂંક સમયમાં ઇકોફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. 
 
મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે, દ્વારિકાની આઇ.ટી.આઇ.ને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, દ્વારકા, પિરોટન અને શિયાળ બેટ ટાપુઓ પર સાકાર થનારા ૪૭ જેટલા પ્રવાસન વિકાસ એડવેન્ચર્સ સ્પોર્ટસ અને નેચર એજ્યુકેશન તેમજ ફિશરીઝ સેકટરના પ્રોજેકટસને અનુરૂપ સ્કીલ્ડ મેનપાવરની જરૂરિયાત ઊભી થશે તેને આ મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર પૂરી કરી શકશે
 
સ્થાનિક યુવાઓને રોજગાર અવસર 
 
આ હેતુસર રાજ્ય સરકારના ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન દ્વારા નેચર એન્વાયરેમન્ટ એજ્યુકેશન ટૂર ગાઇડ, કોરલ ટૂર ગાઇડ, મરિન બાયોલોજીસ્ટ ટુરિઝમ તથા એન્ડવેન્ચર્સ વોટર સ્પોર્ટસ અંતર્ગત એડવેન્ચર સ્કાઉટ, પેરાસેઇલીંગ ડ્રાઇવર પેરાસેલિંગ ગાઇડ, લાઇફ ગાર્ડ, બોટ ઓપરેટર જેવા સૂચિત અભ્યાસક્રમો દ્વારિકા આઇ.ટી.આઇ.માં શરૂ કરાશે  મરિન કેપ્ચર ફિશરમેન કમ પ્રાયમરી પ્રોસેસર, ફિશીંગ એન્ડ સી ફૂડ પ્રોસેસિંગ ટેકનીશીયન વગેરે ફિશરીઝ રિલેટેડ સૂચિત અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે  આવા અભ્યાસક્રમોના ઇન્ફ્રાસ્ટ્રકચર, કન્ટેન્ટ, ફેકલ્ટી ડેવલપમેન્ટ વગેરે ટેકનીકલ આસિસ્ટન્સ અને સપોર્ટ માટે નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વોટર સ્પોર્ટસ-ગોવા જેવી ખ્યાતિ પ્રાપ્ત  સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવશે તેમ પણ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું 
 
આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રીઓ સર્વશ્રી પંકજકુમાર, મુકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, વન-પર્યાવરણ અધિક મુખ્ય સચિવ સચિવ શ્રી અરૂણકુમાર સોલંકી સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા. પ્રવાસન સચિવ શ્રી હારિત શુકલા તેમજ રોજગાર તાલિમ નિયામક શ્રી આલોક પાંડે એ વિગતવાર પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યા હતા.   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર