રાજ્યની લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TATની પરીક્ષા અનિવાર્ય

બુધવાર, 31 માર્ચ 2021 (15:27 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TAT પરીક્ષા સાથેની યોગ્ય લાયકાત અમલી બનશે. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે યોગ્ય લાયકાત અમલી બનાવવા અંગેના સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના વખતો વખતના ચુકાદાને સુસંગત સુધારા આ વિધેયકમાં સમાવિષ્ટ છે.  આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં શિક્ષણ મંત્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા અમલમાં છે. પરંતુ લઘુમતિ સંસ્થાઓ દ્વારા શિક્ષક તરીકેની પસંદગીની લાયકાત પૂરી કરવા માટે નિયત કરેલા TAT પરીક્ષાના મહત્વના ગુણાંકનને ધ્યાનમાં લીધા સિવાય આવી પસંદગી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.  તેમણે ઉમેર્યુ કે, આના પરિણામે રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષકની ગુણવત્તાની પસંદગી માટેના નિયત થયેલા ધોરણો જળવાતા નથી અને TAT પરીક્ષાના પરિણામના આધારે પસંદગી પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં થતી ન હોવાથી તટસ્થ રીતે ગુણવત્તાયુકત આચાર્યો, શિક્ષકોની પસંદગી થઇ શકતી નથી.શિક્ષણમંત્રીએ સુપ્રીમ કોર્ટના આ અંગેના ચુકાદાને ટાંકતા કહ્યું કે, અદાલતે સ્વયંસ્પષ્ટ કર્યુ છે કે શૈક્ષણિક સંસ્થા લઘુમતિ કે બહુમતી સંચાલિત છે તેને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રીય હિતમાં શિક્ષણની ગુણવત્તા સાથે કોઇ સમાધાન કરવું જોઇએ નહીં. શિક્ષકોની નિમણૂક માટે નિયમનકારી મંડળ સ્થાપવાનો સરકારનો નિર્ણય લઘુમતિ સંસ્થાઓના વહીવટમાં દખલકર્તા નથી. ગુજરાત હાઇકોર્ટે પણ 2013માં એક ચૂકાદો આપીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ની કલમ-40(ક)માં જરૂરી સુધારા કરવા સૂચવેલું છે. અગાઉ લઘુમતી શાળાઓમાં સંચાલક મંડળની કમિટિ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નક્કી કરી TAT પરીક્ષાના ગુણાંકન ધ્યાને લીધા સિવાય ભરતી પ્રક્રિયા કરતી હતી.આ સુધારા વિધેયક પસાર થવાના પરિણામે રાજ્યની સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક-આચાર્ય  ઉમેદવારો માટે જે હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી પસંદગી કરવાની પ્રક્રિયા અમલી છે તે જ પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં પણ અમલી બનશે. લઘુમતિ સંસ્થાઓમાં પણ ગુણવત્તાવાળા આચાર્યો અને શિક્ષકો પ્રાપ્ત  થવાથી લઘુમતીઓના શિક્ષણની હાલની ગુણવત્તા વધુ સારી બનશે તેમજ આવી સંસ્થાઓના વિદ્યાર્થીઓની શક્તિ અને તક વધુ ખિલશે, ઉજ્જવળ બનશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકની અન્ય એક જોગવાઇ અંગે જણાવ્યું કે, હાલ માન્ય શાળાઓની વ્યાખ્યામાં ગુજરાત રાજ્યના શિક્ષણ નિયામક અથવા આ હેતુસર તેમણે અધિકૃત કરેલા અધિકારીએ માન્ય કરેલી માધ્યમિક અથવા ઉત્તર બુનિયાદી શાળાનો જ સમાવેશ થાય છે. આ સુધારા વિધેયક અન્વયે હવે આવી માન્ય શાળા એટલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અથવા કોઇ અન્ય વિભાગ અથવા યથાપ્રસંગ આ અર્થે આવા વિભાગ દ્વારા અધિકૃત કરેલા અધિકારીએ માન્ય કરેલી કોઇ માધ્યમિક શાળા અથવા ઉત્તર બુનિયાદી શાળાને પણ માન્ય શાળા ગણવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર