ગુજરાત દેવાના બોઝ નીચે દટાઈ રહ્યું છે,રૂપાણી રાજમાં જાહેર દેવાંમાં 90 હજાર કરોડનો વધારો
બુધવાર, 3 જુલાઈ 2019 (12:57 IST)
ગુજરાતમાં દેવું વધીને તોતિંગ ડુંગરમાં ફેરવાઈ ગયું છે. રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન મોદીની પીએમ પદ મેળવ્યા પછીની ઘડીમાં ગુજરાતમાં દેવાનો 90 હજાર કરોડનો ભારે વધારો થયો છે. ગુજરાતમાં મોદીના રાજ સુધી માર્ચ 2014ના અંતે જાહેર દેવું 1,49,506 કરોડ રૂપિયા હતું. જે રૂપાણીના રાજમાં 2 લાખ 40 હજાર કરોડે પહોંચ્યું છે. જે બતાવે છે કે, મોદી રાજ કરતા રૂપાણી રાજમાં દેવાનો વધારો થયો છે.ગુજરાત સરકારના છેલ્લા પાંચ વર્ષના જાહેર દેવાના આંકડા પર નજર કરીએ તો માર્ચ 2014ના અંતે જાહેર દેવું 1,49,506 કરોડ રૂપિયા હતું. જે માર્ચ 2015ના અંતે વધીને 163451 કરોડ રૂપિયા થયું અને 2016માં જાહેર દેવાંની રકમ 1,80,743 કરોડ પર પહોંચી. જે 2017માં વધીને 1,99,338 કરોડ થઇ હતી. ત્યાર બાદ 31 માર્ચ 2018ના અંતે ગુજરાતનું જાહેર દેવું 2,12,591 કરોડ થયું છે. જે હવે 2019 માર્ચના અંતે 2,40,652 કરોડે પહોંચ્યું છે. જે 2019-20ના અંતે રૂ.2,66,990 કરોડ, 2020-21ના અંતે રૂ.2,99,990 કરોડ તથા 2૦21-22ના અંતે રૂ.3,34,990 કરોડ ઉપર પહોંચવાનો અંદાજ દર્શાવ્યો છે.