અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા

બુધવાર, 26 જૂન 2019 (13:29 IST)
શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો હતા. મનપાના હેલ્થ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગત વર્ષની સરખામણીએ ઝેરી મલેરિયા, ટાઇફોઇડ અને કોલેરાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં શહેરમાં 1થી 22 જૂન દરમિયાન ઝાડા-ઊલટીના 891, કમળાના 212, ટાઇફોઇડના 496 અને કોલેરાના 10 કેસ નોંધાયા હતા. જ્યારે આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ચાર ગણી હોવાનો અંદાજ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ઉનાળામાં પ્રદૂષિત પાણીની ફરિયાદો કરવામાં આવી હતી તેમ છતાં મનપા તેનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ જતા શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસો વધ્યા છે. જેમાં જૂન 2018માં ટાઇફોઇડના 463 કેસ હતા પણ ચાલુ વર્ષે 2019ના જૂન મહિનાના પ્રથમ 22 દિવસમાં જ ટાઇફોઇડના 496 કેસ નોંધાયા હતા. જ્યારે જૂન 2018માં કોલેરાના સાત કેસો નોંધાયા હતા તે આ વખતે જૂનમાં વધીને 10 થઇ ગયા હતા. જ્યારે જૂન 2018માં ઝેરી મલેરિયાના ત્રણ દર્દી હૉસ્પિટલમાં દાખલ થયા હતા જે વધીને ચાલુ વર્ષે 12 દર્દી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. આમ શહેરમાં સતત પાણીજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર અને કોટ વિસ્તારમાં પીવાના પાણીમાં પ્રદૂષણની ફરિયાદો થઈ હતી પણ હેલ્થ ખાતા અને ઇજનેર ખાતામાં સંકલનના અભાવે સમસ્યાનો ઉકેલ આવતો નથી જેથી પીવાના પાણીમાં ગટરના પાણી ભળી રહ્યાંની ફરિયાદો કરવામાં આવી હતી જેથી શહેરના જમાલપુરમાં ચાર, સરસપુર અને રખિયાલની એક, વટવામાં ચાર અને લાંભામાં એક મળી કોલેરાના 10 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 22 દિવસમાં સાદા મલેરિયાના 253, ઝેરી મલેરિયાના 12 અને ડૅન્ગ્યૂના ત્રણ કેસ દાખલ થયા હતા. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર