ગુજરાતમાં દારુ બંધી છે અને હવે ખરેખર તે હાસ્યાસ્પદ બની છે. ત્યારે ખાનગી માલિકીની જગ્યામાં દારૂનું સેવન કરવું તે ગુનો ન ગણાવો જોઇએ તેવી દાદ માગતી કેટલીક પિટિશનમાં કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા નોટિસ પાઠવી છે. દારૂ પણ ફૂડની વ્યાખ્યામાં આવે છે ત્યારે લોકોએ શું ખાવું અને શું ન ખાવું તે બાબતે તેમના પર પ્રતિબંધ ન મૂકાવો જોઇએ તેવી પિટિશનમાં રજૂઆત કરાઈ છે.
અરજદાર તરફે એવી રજૂઆત કરાઈ હતી કે, આલ્કોહોલએ ફૂડ સેફ્ટી અને સ્ટાર્ન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ફૂડની વ્યાખ્યામાં આવે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ એક ચુકાદામાં રાઇટ ટુ પ્રાઇવસી અને રાઇટ ટુ ચોઇસની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. તેને ધ્યાને લેતા પોતાના વ્યક્તિગત જગ્યામાં દારૂનું સેવન કરવું તે ગુનો બને નહીં. દરેક વ્યક્તિને પોતાને શું ખાવું અને શું પીવું તે નક્કી કરવાનો વ્યક્તિગત પસંદગીનો અધિકાર છે. સરકારે આમાં વચ્ચે પડવું જોઇએ નહીં. પ્રતિબંધ લદાયો ત્યારની સ્થિતિ અને હાલની પરિસ્થિતિમાં અનેક બદલાવા આવ્યા છે. નશાબંધીનો કાયદો લોકોને બંધારણે આર્ટિકલ 21 હેઠળ આપેલા વ્યક્તિ સ્વાતંત્ર, જીવવાનો અધિકાર અને વ્યક્તિગત મુક્તિના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જ્યાં સુધી કોઇ વ્યક્તિ સામાજિક સુરક્ષાને નુકસાનકારક ન બને ત્યાં સુધી સરકારે તેના વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ ન મૂકી શકે. અરજદાર દ્વારા રજૂઆત કરી હતી કે, 2017ની સ્થિતિએ નીચલી અદાલતોમાં 3.99 લાખ કેસ પડતર છે તેમાં 55 હજાર કેસ તો બોમ્બે પ્રોહિબિશન એક્ટ હેઠળના છે. દારૂ પીવાના લાઇસન્સ અપાતા લોકોમાં બે વર્ગ પાડી રહ્યું છે. જેને આધારે કહી શકાય કે, પ્રોહિબિશન એક્ટ ગેરકાયદેસર અને અયોગ્ય છે.