વધારે જમીન સંપાદિત ના થાય તે માટે બુલેટ ટ્રેનના સ્ટેશનો જે તે શહેરથી દૂર અને હાઈવેથી નજીકમાં બનશે

ગુરુવાર, 17 મે 2018 (13:07 IST)
શહેરી વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ તોડફોડ થાય નહી અને જમીન સંપાદનની ખાસ વધુ જરૃરીયાત રહે નહી તેને ધ્યાનમાં રાખી હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના સત્તાધીશોએ શહેરથી દૂર અને હાઈવે નજીક નવા બુલેટ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યુ છે. જેમાં વડોદરા અને અમદાવાદના સ્ટેશન શહેર નજીકના રેલવે સ્ટેશનની નજીકમાં બુલેટ સ્ટેશન બનાવવામાં આવશે જ્યારે અન્ય સ્ટેશન મુખ્ય શહેરથી દુર પરંતુ હાઈવેથી નજીક બનશે. હાલમાં ભારતીય રેલવે જે પરંપરાગત રેલ સેવાનું સંચાલન કરે છે. એમાં ઘણાં સ્ટેશન્સ મુખ્ય ગામથી બે ત્રણ કિલોમીટર દુરના અંતરે આવેલા હોય છે. અને મુસાફરોએ પોતાના ગામથી વાહનમાં રેલવે સ્ટેશન સુધી પહોંચવું પડતુ હોય. બુલેટ ટ્રેઇન્સમાં પણ તેનું પુનરાવર્તન થવાનું છે.

બુલેટ ટ્રેન માટે ગુજરાતના વડોદરા અને અમદાવાદ સિવાયના સ્ટેશન્સ જે તે શહેરોની નજીકના ગામડામાં અને હાલની રેલવેના સ્ટેશનથી સારા એવા દૂરના સ્થળે બંધાશે. આ સ્ટેશન્સ ભારતીય રેલની હાલની લાઈન્સ કરતાં હાઈવેઝની વધુ નજીક બંધાશે. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન માટે અમદાવાદથી મુંબઈને સાંકળતા ૫૦૮ કિમીનો હાઈ ટેકનોલોજી રેલમાર્ગ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ હેઠળ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીસેલ) દ્વારા બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે તેના માત્ર અમદાવાદ અને વડોદરા સ્ટેશન્સ જ ભારતીય રેલવેના પ્રવર્તમાન રેલપથ (પાટાઓ)ની સમાંતર બંધાશે જ્યારે બાકીના છ સ્ટેશન્સ પ્રવર્તમાન રેલપથનું બદલે રાજય કે રાષ્ટ્રીય ધોરી માર્ગોને સમાંતર બંધાશે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા સિવાય બુલેટ ટ્રેનના રોકાણ માટે જે અન્ય છ સ્ટેશન્સ પંસદ કરાયા છે. તેના ટર્મીનલ્સ એવા સ્થળે બાંધવામાં આવશે કે જેથી આણંદ- ખેડા (નડિયાદ), ભરૃચ - અંકલેશ્વર, બીલીમોરા, નવસારી, વલસાડ અને વાપીના પ્રવાસીઓ તેનો લાભ લઈ શકશે. આ રેલપથ રાજયના આઠ જિલ્લાઓમાંથી પસાર થશે જેના માટે એનએચએસઆરસીએલને કુલ ૮૭૫ હેકટર્સ જેટલી જમીનનું સંપાદન કરવું પડશે જેના માટે સંબંધિત જમીન માલિકો સાથે પરમાર્શ બેઠકો યોજવામાં આવી રહી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર