ઓડ હત્યાકાંડમાં હાઈકોર્ટે 14ની સજા યથાવત રાખી 3ને નિર્દોષ જાહેર કર્યા

શુક્રવાર, 11 મે 2018 (14:32 IST)
ગોધરાકાંડ બાદમાં પ્રથમ માર્ચ, 2002ના રોજ આણંદ જિલ્લાના ઓડ ગામ ખાતે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં 23 જેટલા લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટમાં કેસ ચાલી જતાં 12મી એપ્રિલ 2012ના રોજ વિશેષ કોર્ટના ન્યાયાધીશ પૂનમ સિંઘે ચુકાદો સંભળાવ્યો હતો.ગોધરાકાંડ બાદ આણંદ જિલ્લાના ઓડ ગામ ખાતે માર્ચ, 2002ના રોજ બપોરે કોમી તોફાનો થયાં હતાં. લોકોનાં ટોળાએ પીરાવાળી ભાગોળે આવેલા ઝાંપલીવાલા બિલ્ડિંગમાં આગ ચાંપી દેતાં 23 લોકો જીવતાં ભૂંજાઇ ગયાં હતાં.

આ હત્યાકાંડ બાબતે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં 46 જેટલા લોકોની સંડોવણી હોવાનું માલુમ પડ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શરૂઆતમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેઓ જામીન પર છૂટી ગયા હતા.ઓડ હત્યાકાંડ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. નીચલી કોર્ટ દ્વારા 18 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી, જેમાંથી 14 લોકોને આજીવન કેદની સજા હાઈકોર્ટે યથાવત રાખી. જ્યારે આજીવન કેદની સજા પામેલા ત્રણ આરોપીની સજા કોર્ટે રદ કરી તેમને નિર્દોષ જાહેર કર્યા છે. આજીવન કેદની સજા થયેલ હરિષ પટેલ નામના વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાંચ લોકોને મળેલી સાત-સાત વર્ષની સજામાં પણ કોઈ વધારો કરાયો ન હોતો. પાંચ વ્યક્તિઓને નીચલી કોર્ટ દ્વારા સાત-સાત વર્ષની મળેલી સજા પૂરી થઈ ગઈ હોવાથી કોર્ટે પાંચેય આરોપીઓને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સજા વધારવા માટે થયેલી દલીલો ફગાવી દીધી હતી. નીચલી કોર્ટે 12મી એપ્રિલ 2012ના રોજ આ કેસમાં 18 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે 5 આરોપીઓને સાત સાત વર્ષની સજા ફટકારી હતી. નીચલી કોર્ટની સજાને આરોપીઓએ હાઈકોર્ટમાં પડકારી હતી.આ કેસમાં તપાસ દરમિયાન 47માંથી એક આરોપીનું મોત થયું હતું. વિશેષ કોર્ટે ચુકાદો આપતા 23 લોકોને દોષિત જાહેર કર્યા હતા તેમજ 23 લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. 23 દોષિતોમાંથી 18 લોકોને આજીવન કેદ અને 5 લોકોને સાત સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર