ગુજરાતના ઐતિહાસિક અને પૌરાણિક સ્થળો દત્તક આપવામાં આવશે
ગુરુવાર, 10 મે 2018 (13:25 IST)
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની આપણી ધરોહર-આપણી પહેચાન યોજના હેઠળ ગુજરાતના ઐતિહાસિક સ્થળો, હેરિટેજ ઇમારતો તથા કેટલાક જાણીતા સ્થળોને સ્વચ્છતા, રીપેરીંગ, જાળવણી અને સુશોભન સહિતના હેતુઓ માટે દત્તક આપવા માટે તૈયારી કરવામાં આવી છે.
જેમાં વડનગરનું વિખ્યાત કિર્તી તોરણ, તરણેતર મહાદેવ મંદિરનો નદી કિનારાનો વિસ્તાર, સિધ્ધપુરનો રૂદ્રમહાલ વિગેરે સહિત ૧૬ જાણીતા સ્થળોનો સમાવેશ થાય છે. હેરિટેજ સ્થળોને દત્તક લેવાની યોજનામાં પ્રથમવાર રાજ્યના જાણીતા સ્થળોને ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવવા માટે શરૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત રાજ્ય સરકારે બે યોજના બનાવી તેમાં પણ જે સંસ્થાઓ કેટલાક સ્થળોને દત્તક લેશે તેને આર્થિક રીતે સહાય આપશે.
આ યોજનામાં સ્થાનિક એનજીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આર્કિટેક્ટ, કન્સલટન્ટ, હેરિટેજ બિલ્ડીંગના કન્ઝર્વેશન અને હેરિટેજની કામગીરી કરતી સંસ્થાઓ અરજી કરી શકશે. બીજી યોજનામાં ચોકીદાર વિનાના રાજ્ય રક્ષિત સ્મારકોની પુરારક્ષણની કામગીરી સિવાયની દેખરેખ અને સફાઇ વિગેરે સ્થાનિક સ્વાયત સંસ્થા દ્વારા થાય તે માટે અનુદાન આપવામાં આવશે.
આ યોજનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય રક્ષિત સ્મારક નજીક વિસ્તારમાં કાર્યરત એનજીઓ, ટ્રસ્ટો, શૈક્ષણિક સંસ્થાઓ સખી મંડલો, સિનિયર સિટિઝન કાઉન્સિલ વિગેરેને આપવામાં આવશે. જે સંસ્થાઓને આ સ્મારકો સોંપવામાં આવશે તેમને શૌચાલય, સ્વચ્છતાની જાળવણી, જાળવણી અને સ્થળની સુંદરતા વધે તેવી કામગીરી કરવાની રહેશે.
પોળોના જંગલમાં આવેલા શિવ અને જૈન મંદિર સંકુલ, જૂનાગઢ મહાબત અને બહુદીન મકબરો, તલાલાનું ભીમાદેવી ટેમ્પલ, જામનગરનું લાખોટા પેલેસ એન્ડ મ્યુઝિયમ, સિધ્ધપુરનો રૂદ્રમાળ, વડનગરનું કિર્તી તોરણ, ડભોઇનો હિરાગેટ, અમરેલીનો ગોહિલવાડ ટીંબો, તરણેતર મહાદેવ મંદિર પાસેનો નદી કિનારાનો વિસ્તાર, નખત્રાણાનો વાડી મેધી મંજલ, ભૂજનું શિવ મંદિર, ભાણવડનું નવલખા મંદિર, સંતરામપુરનું પ્રાચીન મંદિર, હળવદનું સુંદરી ભવાની મંદિર-પાળિયા, દસાડામાં મહાપોલ દરવાજો વિગેરેનો સમાવેશ થાય છે.