આંબેડકરની પ્રતિમાનું અપમાન: રોષે ભરાયેલા દલિતોએ કચ્છમાં રસ્તા બ્લોક કર્યાં

શુક્રવાર, 27 એપ્રિલ 2018 (15:45 IST)
કચ્છના ભીમાસર ગામે આંબેડકરની પ્રતિમાને જુતાનો હાર પહેરાવ્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાથી રોષે ભરાયેલા દલિતો 24 કલાક બાદ પણ આરોપીઓની ધરપકડ ન થતા રસ્તા પર ઉતરી આવતા કચ્છ જતો-આવતો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. દલિતોએ રેલવે ટ્રેક પર ધરણા શરુ કરતા રેલવે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે.બુધવારે રાત્રે અંજાર તાલુકાના ભીમાસર ગામે આંબેડકરની પ્રતિમાને કોઈ જુતાનો હાર પહેરાવી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા, અને 24 કલાકની અંદર આ કૃત્ય કરનારાને પકડવા માટે પોલીસને ચેતવણી આપી હતી. જોકે, પોલીસ આરોપીને પકડી ન શકતા દલિતોએ ગાંધીધામ જતા રેલવે ટ્રેકને બ્લોક કરી દીધો હતો, જેના કારણે અનેક ટ્રેનોને વિવિધ સ્ટેશનોએ અટકાવવી પડી હતી. ટોળાંએ ભચાઉ-અંજાર હાઈવે પણ બ્લોક કરી દેતા ગાંધીધામ તેમજ ભૂજ તરફ જતો ટ્રાફિક અટવાઈ ગયો હતો. ભીમાસર ગામના સરપંચ દિનેશ ટુંગરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ જ્યાં સુધી આરોપીઓને નહીં પકડે ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સ્થિતિની ગંભીરતાને જોતા વધારાનો પોલીસ કાફલો વિવિધ હાઈવે પર તૈનાત કરવામાં આવ્યો છે. અંજાર અને ભચાઉ તાલુકામાં પણ હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. સ્થિતિ વણસે નહીં તે માટે અહીં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર