હવેથી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો સપ્તાહમાં ત્રણ પ્રશ્નો પુછી શકશે
બુધવાર, 4 એપ્રિલ 2018 (13:11 IST)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવતા અનસ્ટાર પ્રશ્નોની સંખ્યામાં મર્યાદા લગાવી દીધી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા 28 માર્ચ 2018ના રોજ કરવામાં આવેલ આદેશ મુજબ ધારાસભ્યો હવે એક સપ્તાહમાં ફક્ત ત્રણ જ અનસ્ટાર પ્રશ્નો પૂછી શકશે. અનસ્ટાર પ્રશ્ન એટલે કે જેનો જવાબ લેખીતમાં આપવામાં આવે અને વિધાનસભા સત્રમાં તેના પર ચર્ચા કરવામાં આવતી નથી. જ્યારે સ્ટાર કરેલા પ્રશ્નોના જવાબ વિધાનસભામાં મૌખીક આપવામાં આવે છે અને તેના પર વિધાનસભામાં અન્ય અનુગામી પ્રશ્નો સાથે ચર્ચા પણ કરવામાં આવે છે. રાજકિય સુત્રોએ કહ્યું કે, આ પગલાના કારણે પ્રજાના અનેક પૈસાનો ખર્ચ બચી જશે. કેમ કે સામાન્ય રીતે મોટાભાગના ધારાસભ્યોની એક ટેવ હોય છે કે તે મહિનામાં લગભગ 1500 જેટલા અનસ્ટાર્ડ પ્રશ્નો પૂછી નાખે છે. જ્યારે આજના ઇન્ટરનેટ અને ટેક્નોલોજીના યુગમાં આટલા બધા પ્રશ્નો પુછવા જરુરી નથી. આજે અનેક પ્રશ્નોનો નિવારણ ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના સહકાર સાથે ગુજરાતના CM વિજય રુપાણીના કાર્યક્રમ સ્વાગત ઓનલાઇન દ્વારા લાવવામાં આવે છે. જિલ્લા સ્તરે કોઓર્ડિનેશન મીટિંગ અને અનેક જુદી જુદી કચેરીઓ દ્વારા લોકદરબાર ભરીને નિવારણ કરાય છે.’આજે, ભાજપના મુખ્યમંત્રી લોકો માટે એક બટન જ દૂર છે. જો કોંગ્રેસ ખરેખર લોકો માટે કામ કરવા માગતી હોય તો તેણે આ ટૂલની મદદથી વધુમાં વધુ લોકોને મદદરુપ થઈ શકે તેવા પ્રશ્નો ઉઠાવવા જોઈએ. મારા મતે પ્રત્યેક સપ્તાહમાં પ્રતિ ધારાસભ્ય ત્રણ પ્રશ્નો યોગ્ય છે. જ્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, આ આદેશ લોકતંત્રની હત્યા સમાન છે. અત્યાર સુધી દરેક ધારાસભ્ય દરરોજ 3 સ્ટાર પ્રશ્નો પૂછી શકતા હતા અને વિધાનસભાના બે સત્ર વચ્ચે અનલિમિટેડ અનસ્ટાર્ડ પ્રશ્નો પૂછી શકતા હતા. ત્યારે અધ્યક્ષ દ્વારા અનસ્ટાર્ડ પ્રશ્નોની મર્યાદા નક્કી કરવાનું આ પગલું ધારાસભ્યોના કોઈ મુદ્દો ઉઠાવાના અધિકારનું હનન છે. અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને તેને પાછો લેવા માટે સ્પીકર પર દબાણ કરીશું. તાજેતરમાં પૂર્ણ થયેલા વિધાનસભા સત્રમાં કોંગ્રેસ દ્વારા ધારદાર સવાલોનો મારો ચલાવવામાં આવ્યો જેનાથી સરકાર ખોટા કામો જાહેર થઈ રહ્યા છે માટે ભાજપ સરકરાના દબાણ હેટળ સ્પીકરે આ નિર્ણય કર્યો છે. સ્પીકર દ્વારા આ આદેશ એસેમ્બલી રુલ નંબર 56 ચેપ્ટર 6 અંતર્ગત કરવામાં આવ્યો છે.