જાણો હાર્દિક પટેલ ક્યારે આંદોલન શરૂ કરશે

ગુરુવાર, 1 માર્ચ 2018 (16:45 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ફરીએકવાર પાટીદાર આંદોલનને સક્રીય કરવા માટે તૈયારીઓ કરી લીધી છે અને આ માટે તેણે આંદોલન કરવાની તારીખની પણ જાહેરાત કરી દીધી છે. વિસનગર કોર્ટમાં એક કેસમાં હાજરી આપવા આપવા હાર્દિક પટેલે સરકાર પર આરોપો લગાવ્યા હતા કે, તેમના આંદોલનને તોડવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે, મને મહેસાણામાં એન્ટ્રી ન મળે તે માટે સરકાર દરેક સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ અમને કાયદા પર વિશ્વાસ છે.તેણે પાટીદાર અનામત આંદોલન અંગે કહ્યું હતું કે, આગામી 10 માર્ચના રોજ ફરીથી આયોજન કરીને અનામત આંદોલન શરૂ કરવામાં આવશે.

તેણે કહ્યું હતું કે, જ્યાં સુધી માગણી પૂરી ન થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. હાર્દિક પટેલ વિસનગર કોર્ટની બહાર કહ્યું હતું કે મહેસાણા જિલ્લામાં મને છેલ્લા સવા બે વર્ષથી પ્રવેશ મળતો નથી અને પ્રવેશના થાય એ માટે સાક્ષીનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોઈનું નામ લીધા વગર તેમણે ચાબખા મારતાં કહ્યું હતું કે અમુક લોકોને કોર્ટના ધક્કા નથી અને એ લોકો કહે છે આંદોલન કેમ નથી કરતા. એ લોકોને એટલું કહીશ કે કોર્ટના ધક્કામાંથી નવરો પડીશ એટલે આંદોલન ચાલુ થઇ જશે. કરવું કંઈ નહિ અને વાતો મલકની કરવાની. તેમણે પોતાની સાથે હતા અને દગો આપીને હાર્દિકથી છેડો ફાડી ચૂકેલા નેતાઓ પર આ પ્રહારો કર્યા હતા. કોર્ટ બહાર તેમને મળવા માટે તમામ વર્ગ અને તમામ જ્ઞાતિના યુવાનો દોડી આવ્યા હતાં અને તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. હાર્દિકને પછાડવા અને બદનામ કરવા માટે ભાજપ અને તેના સાથીદારોએ તમામ કક્ષાએ ગયા હોવા છતાં તેની લોકપ્રિયતા ઘટવાના બદલે વધી રહી છે તે આજની ઘટના પરથી કહી શકાય તેમ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર