400 કરોડના કૌભાંડમાં મત્સ્યઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી વિરુદ્ધ હાઈકોર્ટમાં સુનાવણી શરુ

શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (12:15 IST)
ગુજરાત રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી દ્વારા પોતાના વિરુદ્ધ ઇશ્યુ કરવામાં આવેલ ધરપકડ વોરંટ અને ક્રિમિનલ કાર્યવાહી પડતી મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે સુનાવણી શરુ કરી છે. પુરુષોત્તમ સોલંકી પર કથિત રુ. 400 કરોડના મત્સ્યઉદ્યોગ કૌભાંડનો આરોપ છે. ગાંધીનગર ખાતે આવેલ ખાસ ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટ દ્વારા 2 વર્ષ પહેલા આ મામલે કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યના ACB ડિપાર્ટમેન્ટ દ્વારા સોંપવામા આવેલ અહેવાલના પગલે આ કેસ દાખલ થયો હતો. જેમાં તપાસ એજન્સીએ પાછળથી તત્કાલીન કેબિનેટ પ્રધાન દિલિપ સાંઘાણી અને અન્ય પાંચ ઉચ્ચ સરકારી અધિકારીઓના નામ પણ કેસમાં દાખલ કર્યા હતા. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદીના વકીલ ઇશાક મારાડિયાએ કહ્યું કે, સોલંકી વિરુદ્ધ કાર્યવાહી ગવર્નર ઓફિસની મંજરી લઈને શરુ કરવામાં આવી હતી. જસ્ટિસ પારડીવાલાએ આ કેસની આગામી સુનાવણી તા. 16 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે. જ્યારે જાન્યુઆરી 2016માં હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટ દ્વારા સોલંકી વિરુદ્ધ જાહેર કરવામાં આવેલ બિનજામીનપાત્ર વોરંટ પર સ્ટે આપી દીધો હતો. આ કેસમાં મારડિયાએ રાજ્યમાં માછીમારી માટે ગેરકાયદે કોન્ટ્રાક્ટ આપવા, સરકારની પ્રક્રિયાઓમાં અનિયમિતતા અને ગવર્નર દ્વારા ક્રિમિનલ કેસ ચલાવવાની મંજૂરી બાબતે વધુ તપાસ કરવા હાઈકોર્ટને હસ્તક્ષેપ કરવાનું કહ્યું હતું.સોલંકી પર આરોપ છે કે તેમણે કોઇપણ જાતની ટેન્ડરિંગ પ્રક્રિયા વગર કેટલાક કો-ઓપરેટિવ ગ્રુપને રાજ્યના 58 જેટલા જળાશયોમાં માછલી પકડવાના કોન્ટ્રાક્ટ આપી દીધા હતા. જેના કારણે રાજ્ય સરકારને રુ. 400 કરોડનું નુકસાન થયું છે.જ્યારે સોલંકીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને આદિવાસી જનજાતીઓના વિકાસ માટે બનાવવામાં આવેલ નવી પોલિસીના આધારે આપવામાં આવ્યા હતા. આ દરેક કો-ઓપરેટિવ ગ્રુપ આવા પછાત જનજાતીઓના સભ્યનું બનેલું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર