પોલીસની ‘લુખ્ખી’ દાદાગીરી: પરોઢિયે વેઈટરોને માર્યા

શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:55 IST)
ઓફ ડ્યૂટી પર પરોઢિયે ચાર વાગ્યે ભૂખ્યા થયેલા બોપલના ચાર કોન્સ્ટેબલ એસ.પી રિંગ રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ પર પહોંચી ગયા હતા. નીંદ્રાધીન વેઈટરોને ઉઠાડીને જમવાનું માંગતા વેઈટરોએ હોટલ બંધ હોવાનું કહેતા કોન્સ્ટેબલોએ પહેલા લાફાવાળી અને પછી પટ્ટાવાળી કરી આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં બોપલ ડિસ્ટાફના ચારેય કોન્સ્ટેબલોએ પોતાની ભૂખ ભાંગવા વેઈટરોને ૨૦૦ ઊઠક-બેઠક પણ કરાવી હતી. ઘટનાની જાણ થતા સરખેજ પોલીસે કાર્યવાહીતો શરૂ કરી પરંતુ આરોપીઓ પોલીસકર્મીઓ હોવાનુ જાણવા મળતા હોટલના માલિક પર જ અરજી પરત ખેંચી લેવા દબાણ કર્યું હતુ.

નિર્દોષ વેઈટર પર પોલીસના અત્યાચારનો વિડિયો વાઈરલ થયા બાદ સિનિયર અધિકારીઓના ઠપકાથી સરખેજ પોલીસે મોડી સાંજે કમને ગુનો નોંધ્યો હતો.   પોલીસના નિર્દોષ વેઈટર પર અત્યાચારની આ ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, પરોઢિયે ૪ વાગ્યે ઉપરોક્ત ચારેય કોન્સ્ટેબલ એક કારમાં આવ્યાં હતા અને રેસ્ટોરન્ટના રસોડામાં ઘૂસીને સૂઈ રહેલા કારીગરોને ઉઠાડીને જમવાનું માંગ્યું હતું. કારીગરોએ હોટલ બંધ હોવાનું કહેતા કોન્સ્ટેબલો ઉશ્કેરાઈ ગયા હતા કારીગરોને કમર પટ્ટા કાઢીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેમને રોડ પર લઈ જઈ ૨૦૦થી વધુ ઊઠકબેઠક કરાવીને પોતાની ખાખીની ભૂખ સંતોષી રવાના થયા હતા.  અમદાવાદ જિલ્લા ડી.એસ.પી. આર.વી. અસારીએ કહ્યું હતું કે, ચારેય ઓફ ડ્યૂટી હતા. એટલું જ નહીં તેમણે જ્યાં મારપીટ કરી છે તે ગ્રામ્યનો વિસ્તાર પણ નથી તો કેમ ત્યાં ગયા? ગુનો આચર્યો છે તો કાર્યવાહી ચોક્કસ થશે. ડી.એસ.પી. અસારીએ ઉમેર્યું હતું કે, સરખેજ પોલીસ રિપોર્ટ આપશે કે તરત જ ચારેય વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બોપલ પોલીસે પોતાના કોન્સ્ટેબલોનો લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, તે પેટ્રોલિંગમાં હતા. બીજી તરફ ચારેય દારૂ પીધેલા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર