કાલુપુર રેલવે સ્ટેશન પર 5 રૂપિયામાં મળશે સેનિટરી નેપકિન
ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (13:35 IST)
વેરસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવીઝન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનના મહિલાઓના વેઈટિંગ રુમમાં શુક્રવારે પ્રજાસત્તાક દિનના દિવસે સેનિટરી નેપકિન ડિસ્પેન્સરની શરુઆત કરવામાં આવશે. આનો લાભ રેલસેવાનો લાભ લેતી લગભગ 30,000 મહિલાઓ લઈ શકશે.મંગળવારના રોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી DRM ઓફિસમાં આવી એક ડિસ્પેન્સરીની શરુઆત કરવામાં આવી હતી. અમદાવાદ સિવાય રાજકોટ રેલવે સ્ટેશન પર પણ સેનિટરી નેપકિન ડિસ્પેન્સર મુકવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાલુપુર રેલવે સ્ટેશનમાં દરરોજ લગભગ 1.3 લાખ મુસાફરો અવરજવર કરે છે, જેમાંથી 30,000થી વધારે મહિલાઓ હોય છે. પેસેન્જર્સ સિવાય રેલવે સ્ટાફ અને મહિલા ઓફિસર્સ તેમજ સ્ટેશન પર તૈનાત સિક્યોરિટી ફોર્સની મહિલાઓ પણ આ વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરી શકશે. આ મશીન બે ભાગમાં બનેલું છે- ડિસ્પેન્સર અને ઇન્સિનરેટર. મશીનની કિંમત લગભગ 37000 રુપિયા છે. એક સમયે આ મશીનમાં 100 સેનિટરી નેપકિન્સ મુકી શકાય છે. રેલવે દ્વારા એક પેડની કિંમત 5 રુપિયા નક્કી કરવામાં આવી છે.