તોફાનો થવાની દહેશતથી અમદાવાદમાં યોજાનાર પાટીદાર કાર્યકર્તા સંમેલન રદ્

શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (14:46 IST)
પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ કરવાના આશયથી કાલે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પાટીદાર સમાજના કાર્યકરોનું સંમેલન પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર હતું પરંતુ આ સંમેલન રદ્દ કરવામાં આવ્યુ હોવાનું પાસના સૌરાષ્ટ્રના કન્વીનર લલિતભાઈ વસોયાએ જણાવ્યુ હતું. પાસના સૌરાષ્ટ્રના કન્વીનર લલિતભાઈ વસોયાએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, અમદાવાદ ખાતે યોજાનાર સંમેલન માટે સરકાર દ્વારા જગ્યાની મંજુરી આપવામા આવી નથી તેમજ જે ટ્રાવેલ્સમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પાટીદારો આવવાના હતા તે ટ્રાવેલ્સ એજન્સીના ધંધાર્થીઓને પણ ઉપરથી દબાણ કરવામાં આવી રહ્યુ છે અને ટ્રાવેલ્સની બસોને જે તે જગ્યાએ રોકી દેવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લલિતભાઈ વસોયાએ જણાવ્યુ કે, આવી પરિસ્થિતિમાં જો કાર્યકર્તા સંમેલન યોજવામાં આવે તો તોફાનો ફાટી નીકળવાની પુરેપુરી શકયતા હોવાથી આ સંમેલન રદ્દ કરવામાં આવ્યુ છે. હાર્દિક પટેલે રાજ્ય સરકારને પત્ર પાઠવીને અનામત આંદોલન મુદ્દે ચર્ચા વિચારણા કરવા અને વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા બેઠક માટે સમય માગ્યો છે પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા તેમનો જવાબ આપવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે અમદાવાદ ખાતે યોજાનાર પાટીદાર સંમેલન માટે દરેક ગામમાંથી ૫ - ૫ કાર્યકરોને બોેલાવવામાં આવ્યા હતા અને અનામત આંદોલન માટે હવે શું કરવુ? તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવનાર હતી પરંતુ આ સંમેલન હવે રદ્દ કરાયુ છે. લલિતભાઈ વસોયાએ જણાવ્યુ હતુ કે, આજે અમદાવાદ ખાતે પાસના કાર્યકરોની મીટીંગ રાખવામાં આવી છે. જેમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો