વીંછીયામાં હેલિકોપ્ટરની મદદથી બે પ્રસુતાને એરલિફ્ટ કરી બચાવી લેવાઈ
સોમવાર, 24 જુલાઈ 2017 (13:28 IST)
વીંછિયા તાલુકામાં ભારે વરસાદને કારણે નાનામાત્રા ગામમાં કુદરતી આફત આવી પડી હતી. ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ગામમાં બે મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ સુધી કેમ પહોંચાડવી તે પ્રશ્ન ઉદભવ્યો હતો. ત્યારે આ વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધ્યાને આવતા તેઓએ રાજકોટ જિલ્લા કલેક્ટરને જાણ કરી બન્નેને એરલિફ્ટ કરવાની સૂચના આપી હતી.
એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બન્ને મહિલાને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી જસદણ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. નાના માત્રા ગામની ઘટના, મહિલાએ બાળકીને જન્મ આપી દીધો પરંતુ બ્લેસન્ટની તકલીફ ઉભી થઇ હતી પ્રાપ્ત વિગત મુજબ નાના માત્રાના રમેશભાઇ ખાવડુની 35 વર્ષીય પત્નીને પૂરા દિવસો જતા હતા અને તેમના ઘરે ગમે ત્યારે ખુશીઓનું પારણુ બંધાય એમ હતું. એવામાં વરસાદરૂપે કુદરતી આફત આવી. એક તરફ રાતનો ધોધમાર વરસાદ અને બીજી બાજુ પત્નીને પીડા. આવા સંજોગોમાં રમેશભાઇ માટે શું કરવું, શું ન કરવું ? એવી સ્થિતિ હતી. રમેશભાઇએ મદદ માટે આરોગ્ય વિભાગને જાણ કરતા બે તબીબો ડો. રાજા અને ડો. ઘનશ્યામ ગામની એક બાજુ પહોંચી ગયા. ત્યાંથી બોટના સહાયે ગામમાં તમામ તબીબી સાધનો સાથે રમેશભાઇના ઘરે ગયા. ત્યાં બાળકીનો જન્મ તો થઇ ગયો હતો. પણ, બ્લેસન્ટની તકલીફ ઉભી થઇ હતી. માતા માટે આ જોખમી પણ સાબીત થઇ શકે એમ હતી.