સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ હેક કરાઈ, પાકિસ્તાનનો ઝંડો દેખાયો
બુધવાર, 19 જુલાઈ 2017 (14:06 IST)
સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ આજે સવારે હેક થઈ હતી. વેબસાઈટ શરૂ કરતા પાકિસ્તાનનો ઝંડા સાથે પાકિસ્તાન ઝિંદાબાદ લખેલું દેખાઈ છે. જેના પગલે પ્રાથમિક અનુમાનમાં પાકિસ્તાનથી સાઈટ હેક કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. આજે સવારથી સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ હેક થઈ જતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટમાંથી સામાન્ય પરિપત્રો, ફોન નંબરના ડેટા હેક કરવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી યુ.એલ. રાઠોડે જણાવ્યું હતું કે, આજ સવારે ખબર પડી કે વેબસાઈટ હેક થઈ ગઈ છે. જેથી તેને હાલ બંધ કરી દેવામાં આવી છે. સિક્યોરિટી ફિચર ધ્યાન લીધા બાદ જ ચાલું કરવામાં આવશે. એક વર્ષ અગાઉ પણ પાકિસ્તાનથી વેબસાઈટનું હોમ પેઈઝ હેક કરવામાં આવ્યું હતું.