ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા 21 જુલાઈએ તેમના જન્મ દિવસે સમર્થકો સાથે મહાત્મા મંદિર ખાતે શક્તિપ્રદર્શન કરશે. છેલ્લા કેટલાક સમયથી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી રહ્યા છે તેવી વાત વહેતી થતાં તેમણે પત્રકારો સમક્ષ સ્પષ્ટતા કરવી પડી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, મેં કોંગ્રેસ છોડી નથી. ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે 21 જુલાઈએ શંકરસિંહ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શક્તિ પ્રદર્શન કરી પોતાની તાકાનો પરચો આપશે.
બાપુના શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બાપુ આગામી વિધાનસભાની ચંટણીને લઈને કોઈ જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસ માટે શંકરસિંહ ભાજપમાં જોડાવાની ચર્ચા માથાનો દૂખાવો બની ગઈ છે. જૂન મહિનામાં શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે સમર્થકો સાથે સંમેલન કર્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતાં. શંકરસિંહ વાઘેલાના ભૂતકાળનો રાજકીય ઇતિહાસ જોતાં બાપુએ બળવાખોરી અને સરકારમાંથી રાજીનામું આપવાની પ્રક્રિયામાં જાહેર કાર્યક્રમમાં જ જાહેરાત કરીને કરી હતી. ભાજપ સાથે છેડો ફાડ્યો તે પહેલાં શંકરસિંહ વાઘેલાએ અમદાવાદના સુભાષબ્રિજ પાસેના આરટીઓ ગ્રાઉન્ડમાં જાહેરમાં તલવાર ઉગામીને નવા પક્ષની રચનાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ભાજપમાંથી બળવો કર્યા પછી પોતાના ગામ વાસણ્યા ખાતે બળવાખોર ધારાસભ્યોનો કેમ્પ રાખ્યો હતો. તે પછી કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી.