કોના કારણે કોના વાંકે શહિદોના ૩.૧૮ લાખ રૂપિયા પસ્તી બની ગયા ?

મંગળવાર, 18 જુલાઈ 2017 (13:25 IST)
ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવેલ શહીદ જવાનો માટેના ફંડની ૩૦૦૦ જેટલી દાન પેટીઓમાં ૧૭.૭૦ લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. આમાંથી ૩.૧૮ લાખ રૂપિયા પસ્તી બની ગયા છે.  જાન્યુઆરીમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત અને રાજયમાં ચાલેલા આંદોલનના બંદોબસ્તમાં તેઓ નિશ્ચિત સમય મર્યાદામાં એટલે કે માર્ચ સુધીમાં આ દાનપેટીઓ ખોલી શકયા ન હતા. દર વર્ષે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ આ દાન પેટીમાં જે કંઇ ફંડ એકઠુ કરવામાં આવે છે

તેને નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરવામાં આવે છે. આ ફંડનું ખાતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલીત કરવામાં આવે છે. જયારે અમદાવાદ પોલીસ માર્ચ મહિનામાં એકઠુ થયેલુ રૂ.૧૭.૭૦ લાખનું દાન જમા કરાવવા ગઇ તો રિઝર્વ બેંકે રૂ.૧૪.પર લાખ જ સ્વીકાર્યા હતા અને ૩.૧૮ લાખ રૂપિયા જુની નોટ હોવાના કારણે સ્વીકારવાની ના પાડી દીધી હતી.

ગુજરાત પોલીસે તે પછી સતત રિઝર્વ બેંકને લેખિતમાં રજુઆત કરી હતી કે આ રકમ પણ સ્વીકારી લેવી જોઇએ પરંતુ હજુ સુધી કોઇ પરિણામ આવ્યુ નથી. આ ડોનેશનના નાણાથી દેશના શહીદોના પરિવાર માટે સહાયભૂત થવામાં આવે છે અને આર્મીમેનના કલ્યાણ માટે તે વપરાય છે. ફેબ્રુઆરી મહિનામાં ૩૦૦૦ જેટલી દાન પેટીઓ અમદાવાદ પોલીસ હેડ કવાટરમાં લાવવામાં આવે છે અને રિઝર્વ બેંકમાં આ રકમ જમા કરાવતા પહેલા સીસીટીવી કેમેરા હેઠળ આ રકમની ગણતરી કરવામાં આવે છે.  પોલીસ હેડ કવાટરના સત્તાવાળાઓએ માર્ચના અંતે રિઝર્વ બેંકને પત્ર લખી જુની નોટ એકસચેન્જ કરી દેવા રજુઆત કરી હતી પરંતુ રિઝર્વ બેંકે તે લેવાનો ઇન્કાર કર્યો હતો. રિઝર્વ બેંક અત્યારે માત્ર એનઆરઆઇ લોકોની જ નોટો એકસચેન્જ કરી રહી છે. પોલીસ તંત્ર હવે આ મામલે રિઝર્વ બેંકના ગર્વનરને દરમિયાનગીરી કરવા જણાવશે. 

વેબદુનિયા પર વાંચો