ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણએ ગુજરાત સરકારને અંધારામાં રાખી દુકાળની જાત તપાસ કરી હતી

મંગળવાર, 11 જુલાઈ 2017 (16:12 IST)
દેશના ઉપરાષ્ટ્રપતિના વિરોધ પક્ષના ઉમેદવાર  ગોપાલકૃષ્ણ ગાંઘી પણ ગાંધીજીની જેમ સાદગી, સત્ય અને સ્પષ્ટ વિચારધારા ધરાવનારા છે. તેઓ 1998માં રાષ્ટ્રપતિના સેક્રેટરી હતાં, ત્યારે ગુજરાતના દુષ્કાળની સ્થિતિની જાત તપાસ કરવા માટે આવ્યા હતા. એક સપ્તાહ સુધી તેમણે ઝૂંપડામાં રહીને સ્થાનિક લોકો સાથે દુષ્કાળની સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરી હતી.

તેમની આ મુલાકાતથી ગુજરાત સરકાર પણ છેક સુધી અજાણ જ હતી. 1998માં ગુજરાતમાં કેશુભાઇ પટેલની સરકાર હતી, તે સમયે બનાસકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં ઓછા વરસાદને કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાઇ હતી. તે સમયે રાષ્ટ્રપતિ તરીકે કે.આર.નારાયણના સેક્રેટરી તરીકે ગોપાલકૃષ્ણ ગાંધી હતા. તે સમયે રાષ્ટ્રપતિએ ગુજરાતના દુષ્કાળની સ્થિતિ અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટ ગોપાલકૃષ્ણે ગુજરાત સરકાર પાસેથી મંગાવવાને બદલે તેઓ પોતે ગુજરાત આવવા રવાના થયા હતા.  ગોપાલકૃષ્ણ આબુ રોડ સુધી ટ્રેનમાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના કેટલાક દુષ્કાળગ્રસ્ત ગામોમાં જવા માટે બસમાં આવ્યા હતા.તેમણે અમીરગઢ પાસેના નાનકડા ગામમાં ઝૂંપડું બાંધીને એક અઠવાડિયા સુધી સંપૂર્ણ વિગતો મેળવી હતી.  ગોપાલકૃષ્ણ ગાંધીની એક અઠવાડિયાની ગુજરાત મુલાકાત અંગે ગુજરાત સરકાર પણ અંધારામાં હતી. તેમની ગાંધી આશ્રમની મુલાકાત સમયે સરકારને એકાએક જાણ થતાં તે સમયના મુખ્ય સચિવ મુકુંદનની સૂચનાથી સમગ્ર તંત્ર દોડતું થયું હતું. પરંતુ તે પહેલાં ગોપાલકૃષ્ણ ગાંધી દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. દિલ્હી જઇને તેમણે ગુજરાતના દુષ્કાળ અંગેનું સંપૂર્ણ જાત તપાસનો અહેવાલ રાષ્ટ્રપતિને આપ્યો હતો.

વેબદુનિયા પર વાંચો