શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ એક જ ફ્લાઈટમાં દિલ્હી જતાં રાજકીય ગરમાવો
ગુરુવાર, 22 જૂન 2017 (13:23 IST)
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આજે સવારે અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી એક જ ફ્લાઇટમાં રવાના થતાં અનેક તર્ક-વિતર્કો શરુ થઈ ગયાં છે. તાજેતરમાં જ બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે હું ભાજપામાં જોડાવાનો નથી, 24મી જૂને હું બધાંને મળીને નક્કી કરીશ કે હવે મારે આગળ શું કરવું? ત્યારે આજે અમિત શાહ સાથે એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થતાં રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. અમિત શાહ અને બાપુ વચ્ચે ફ્લાઇટમાં શું ચર્ચા થશે? શું બાપુ ભાજપામાં જોડાશે કે પછી કૉંગ્રેસ હાઇકમાન્ડને મનાવી લેશે. શક્તિ પ્રદર્શન પૂર્વે આજે બાપુ દિલ્હીમાં હાઇકમાન્ડને મળવા પહોંચ્યા છે. કોંગ્રેસ તરફથી તેમની માંગણીઓ ન સ્વીકારાતા શંકરસિંહ વાઘેલાની નારાજગી વધી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીને હટાવવાની હઠ છે. તેમજ સત્તા મેળવવા પોતાને ચૂંટણીની કમાન સોંપવામાં આવે તેવો પણ આગ્રહ છે. છેલ્લાં કેટલાંક સમયથી શંકરસિંહ વાઘેલા PM મોદી, CM રૂપાણી અને ભાજપ વિરોધી ટીપ્પણી કરતા નથી. સોશ્યલ મિડિયા પરની ભાજપ વિરોધી ટીપ્પણીઓ પણ હટાવી દીધી છે. તેમણે કેન્દ્ર સરકારનાં ત્રણ વર્ષનાં વહિવટનું સરવૈયુ કરવાનું પણ ટાળ્યું છે. આજે એક જ વિમાનમાં ફરી સાથે શાહ અને બાપુ સાથે ગયા. બે મહિના પહેલાં પણ શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી અને અમિત શાહ એક જ ફ્લાઇટમાં અમદાવાદથી દિલ્હી સાથે ગયા હતા. કોંગ્રેસનાં 20થી 25 સિટિંગ MLAને ભાજપ પોતાનામાં ભેળવી શકે છે. સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટનાં મોટાપ્રમાણનાં MLA ભાજપમાં જોડાઈ શકે છે. 29મીએ PMનાં પ્રવાસ પહેલા ભાજપ આ ખેલ પાડવા માંગે છે. એક દાવ ખેલી BJP અનેક નિશાન સાધવા માંગે છે. રાષ્ટ્રપતિ- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ BJPને ફાયદો થાય. રાજ્યસભાની કોંગ્રેસ હસ્તકની એક બેઠક પણ ભાજપ આંચકી શકે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો 150નો ટાર્ગેટ સરળતાથી પૂરો કરી શકે.