ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં શરૂ થયેલી સત્તાની ખેંચતાણ વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલાં કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સમક્ષ વિધાનસભાની આગામી ચૂંટણીમાં પાટીદારોને 55 બેઠકો પર ટિકિટ આપવાની માગણી કરવામાં આવી છે. બીજીતરફ શહેરી વિસ્તાર-અમદાવાદમાં કોંગ્રેસના સંગઠનને ચેતનવંતુ બનાવવા દલિત નેતાને શહેરને જવાબદારી સોંપવાની રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનને કારણે ભાજપ અને પાટીદાર સમાજ વચ્ચે તિરાડ પડી છે.
અમદાવાદમાં પાટીદાર સંમેલન ઉપર લાઠીચાર્જ અને ત્યારબાદ સરકાર વિરોધી દેખાવમાં પાટીદારો પર આચરવામાં આવેલાં અત્યાચારને કારણે પાટીદારો ભાજપથી વિમુખ થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારોમાં ભાજપ પ્રત્યે નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસે ગાંધીનગરની ગાદી કબજે કરવી હોય તો વધુમાં વધુ પાટીદારોને કોંગ્રેસની ટિકિટ આપીને ચૂંટણી લડાવવાની માગણી સમયાંતરે ઉઠતી રહી છે ત્યારે ગુરુવારે વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલે કોંગ્રેસ પ્રભારીને રૂબરૂ મળીને ફરી એકવાર 33 ટકા-અથવા પંચાવન બેઠક પાટીદારોને ફાળવવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, પાટીદાર સમાજને કોંગ્રેસમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે, ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચવામાં પાટીદાર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવશે. પાટીદારોને ટિકિટ આપવા માટે પ્રભારીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું તેમણે ઉમેર્યું છે.આ અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, પ્રદેશ પ્રવક્તા ડો.હિમાંશુ પટેલ, ધારાસભ્ય પ્રહલાદ પટેલ, રાઘવજીભાઈ પટેલ, હર્ષદ રિબડિયા, ડો. તેજશ્રીબેન પટેલ, પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ સહિતના આગેવાનોએ દિલ્હીમાં રાહુલ ગાંધીને રૂબરૂ મળીને પાટીદાર સમાજની અનામતની માગણી પછી ભાજપ-પાટીદારો વચ્ચેના વણસેલાં સંબંધો અને પાટીદાર સમાજની નારાજગી કોંગ્રેસને કઈ રીતે ફાયદો કરાવી શકે તે અંગે વિસ્તારથી ચર્ચા કરીને પ્રદેશ પ્રમુખપદ અથવા વિરોધપક્ષનું નેતાપદ પાટીદાર ધારાસભ્યને સોંપવા માગ કરી હતી.